Gujarat

શું આ એલિયનનો કોઇ સંકેત છે? : ગુજરાતમાં ફરી એકવાર રહસ્યમય અવકાશી ગોળો પડ્યો

વડોદરા: ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodara) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પોઇચા (Poicha village) ગામમાં અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની છે. આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકોમાં કૂતુહલ સર્જાયું છે. હવે એક પછી એક એમ ત્રણવાર આ રહસ્યમય ગોળાઓ ગુજરાતના જ અલગ-અલગ સ્થળઓએ પડી રહ્યા છે. તેથી લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ ગોળાઓ માત્ર ગુજરાતમાં જ કેમ પડી રહ્યા છે? શું આ એલિયનનો (Alien) કોઇ સંકેત છે? લોકો તો આ ઘટનાને અને ગોળાને એલિયન સાથે સરખાવી રહ્યા છે.

વડોદરાના પોઇચા ગામે ખેતરમાં અવકાશમાંથી પડેલો એક રહસ્યમય ધાતુનો ગોળો મળી આવ્યો છે. જે બાદ ગ્રામજનોમાં ચકચાર મચી ગયો હતો. મધ્ય ગુજરાતમાં પડી રહેલા આ અવકાશી ગોળાનો રહસ્ય હવે ઊંડું બનતું જાય છે. ધાતુના બનેલા આ ગોળા શું છે તે વિશેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી. જો કે હાલ સાવલી પોલીસે અવકાશી પદાર્થને કબજે લીધો છે. તેમજ તેની તપાસ માટે એફએસએલને જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય વાર આ ગોળા ખેતરોમાં જ પડ્યા છે અને કોઇને તેનાથી કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી.

અલગ-અલગ જગ્યાએથી મળી આવતા તમામ ગોળાઓને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મેકલવામાં આવ્યા હતા. એફએસએલની પ્રાથમિક તબક્કાના માહિતીમાં જણાવવામાં આવ્યુુ છે કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોઇ શકે છે. કારણ કે આ ગોળા દેખાવમાં ભારે પરંતુ વજનમાં હલકાં છે. જો કે આકાશમાંથી આ ગોળા કેટલી ઊંચાઇએથી પડ્યા છે તેની માહિતી મળી નથી, પરંતુ આ ગોળાઓને કોઈ નુકસાન થયું નથી. જેથી અનુમાન છે કે તે કોઇ વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હશે. ધાતુના ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. લગભગ ફૂટબોલની સાઈઝના આ ગોળા ખૂબ જ મજબૂત માલુમ પડે છે.

અગાઉ આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં અંતરિક્ષમાંથી રહસ્યમય ધાતુના ગોળા પડ્યાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આણંદ જિલ્લાના એસપીએ કહ્યું હતુ કે હાલમાં એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે જેનો ઉપયોગ ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં અવકાશમાં ઉપગ્રહની ગતિ જાળવી રાખવા માટે થાય છે. આણંદ બાદ . ખેડાના ભૂમેલ ગામમાં અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની હતી. તેથી હવે આ ગોળાની તપાસ માટે ઇસરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેથી રહસ્યમય ધાતુના ગોળા વિશે વધુ જાણકારી મેળવી શકાય.

Most Popular

To Top