Gujarat

પુત્રના પ્રેમલગ્ન અંગે પોલીસ પિતાને પૂછપરછ માટે લઇ ગઇ પછી મૃતદેહ પાછો આપ્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ અંગે પોલીસ (Police) અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે લઇ ગઇ હતી. જો કે તેઓ માત્ર પૂછપરછ (Inquiry) માટે લઇ ગયા હતા, પરંતુ પરિવારને તેમનો મૃતદેહ (Deadbody) પાછો મળ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેમજ કોળી સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. હવે પરિવાર પોલીસ પર હત્યાનો આક્ષેપ કરી રાજકોટ સિવિલમાં ધરણા પર બેસી ગયો છે.

પિતાનો મૃતદેહ મળતા પરિવાર રોષે ભરાયો હતો અને મૃતદેહનું સુરેન્દ્રનગરમાં પીએમ કરાવ્યા પછી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ લઇ જવામાં આવ્યો હતો. આ મામલે પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આક્ષેપ કર્યો છે અને રાજકોટ સિવિલમાં ધરણા પર બેસી ગયો હતો. કોળી પરિવારના આ ધરણા બાદ સમગ્ર કોળી સમાજના લોકો હોસ્પિટલ બહાર ભેગા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

સમગ્ર મામલો શું હતો?
આ મામલા વિશે અમિતના મિત્રે જણાવ્યુ હતું કે દેવજીભાઇના પુત્ર અમિતનો પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતો. ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા. આ અંગે પૂછપરછ કરવા માટે પોલીસ તેને અને અમિતના પિતા દેવજીભાઈને ઘરેથી જબરદસ્તી લઇ ગઇ હતી. ત્યારે તેને અલગ લઇ જઇ અમિતના પિતાને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે આ મામલે અમને ન્યાય મળવો જોઇએ અને પોલીસ સામે ફરિયાદ નોંધાવી જોઇએ.

સમાજ ઓછો શિક્ષિત હોવાથી ઘણું સહન કરવું પડે: ભાજપના પૂર્વ મંત્રી
આ અંગે કોળી સમાજના આગેવાન નેતા ભુપત ડાભીએ પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કુંવરજી બાવળિયાની હાજરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ તેમજ અન્ય લોકોએ તેમને આમ કરતા અટકાવ્યા હતા. આ સાથે ભાજપના પૂર્વ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારને મળ્યા બાદ તેમણે જણાવ્યુ હતું કે આ મામલે પોલીસ સામે ગુનો નોંધવામાં આવે તેવી કોળી સમાજની માંગણી છે. સમાજ ઓછો શિક્ષિત હોવાથી ઘણું સહન કરવું પડે છે. પરંતુ આ વખતે પોલીસ દ્વારા સમાજને અન્યાય થયો છે. હવે તેઓ ઉચ્ચ સ્તરે આ અંગેની ફરિયાદની માંગ કરશે.

તાત્કાલિક રાતોરાત મૃતદેહ સળગાવી નાખો: પોલીસ
કોળી સમાજના આગેવાનોએ ઉશ્કેરાટમાં કહ્યુ હતું કે આમ પૂછતાછ અંગે લઇ ગયેલા માણસનો મૃતદેહ પાછો મળે તો એ બાબત સહન કરી શકાય તેમ નથી. પોલીસ જીવતા માણસને લઇ ગઇ હતી અને બાદમાં રાતોરાત પોલીસવાળા દેવજીભાઇના મૃતદેહ તેમના પુત્રને સોંપી ગયા હતા. તેમજ આમ પણ કહ્યું હતું કે તારા પિતાનું પીએમ થઈ ગયું છે હવે તેને તાત્કાલિક રાતોરાત સળગાવી નાખો. આ અંગે કોળી સમાજ ચુપ નહીં બેસે. જેમ ચાંદની બંધનું આંદોલન કર્યું હતું તેમ કોળી સમાજ અહીં પણ આંદોલન કરશે.

Most Popular

To Top