સુરત: (Surat) શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) વધુ 5 કેસ નોંધાયા હતા. જેમાં રાંદેર ઝોનમાં 2 અને અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા હતા. અઠવા ઝોનમાં એક જ ઘરનાં ભાઈ-બહેન પોઝિટિવ (Positive) આવ્યાં હતાં. એક જ શાળામાં પહેલાં ધોરણમાં ભણતા આ ભાઈ બહેનને (siblings tasted positve) કોરોનાનો ચેપ લાગતા શાળામાં વર્ગ બંધ (Class closed) કરાવી દેવાયો છે. દરમિયાન છેલ્લાં એક અઠવાડિયાથી સુરત સહિત રાજ્યભરમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનાના સંક્રમણમાં સપડાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સ્કૂલ, ટ્યૂશન ક્લાસીસમાં માસ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અઠવા ઝોનમાં ભરથાણા વિસ્તારમાં સાંઈ એન્કલેવ સોસાયટીમાં રહેતો પરિવાર રાજસ્થાન ફરવા માટે જવાનો હતો. જેથી પરિવારે પ્રિ-ટ્રાવેલ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં 6 વર્ષના ભાઈ અને બહેન પોઝિટિવ મળી આવ્યાં હતાં. આ બંને ભાઈ-બહેન ડીપીએસ શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતા હોવાથી ધોરણ-1 વર્ગના બંધ કરાવાયા હતા. તેમજ આ વર્ગમાં અભ્યાસ કરતા તમામ 11 વિદ્યાર્થી તેમજ 2 શિક્ષકો એમ કુલ 13 લોકોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં સુરતમાં શાળામાં ભણતા કુલ 11 વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા છે. અડાજણની સંસ્કાર ભારતી શાળાના 3 વિદ્યાર્થી , રિવેરડેલ એકેડેમીના 4 વિદ્યાર્થી, ભૂલકા વિહાર સ્કૂલના 2 વિદ્યાર્થી અને ડીપીએસ સ્કૂલના 2 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા છે.
ગુજરાતમાં 20 વિદ્યારથીઓ કોરોનામાં સપડાયા, સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો
કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ગુજરાતમાં ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. બાળકો સ્કૂલે જવા માંડતા હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવવા માંડ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. આ સાથે જ રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલાં બાળકોના કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 11, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે.
રાજકોટ અને વડોદરામાં વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા બાદ સ્કૂલો બંધ કરી દેવાઈ
અમદાવાદમાં નિરમા વિદ્યાવિહારમાં 3 વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. રાજકોટની નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલાં પોઝિટિવ આવતાં સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. અહીંની SNK સ્કૂલમાં ધો.10નાં ટ્વિન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે, આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. વડોદરામાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 3નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલનો ધો.7નો વિદ્યાર્થી અને તેના પેરન્ટ્સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે તેમજ શહેરની સંત કબીર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળ્યા.