આગામી દિવસોમાં રાજ્યમાં (Gujarat) દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર (low pressure in Arabian Sea) સક્રિય થવાની સંભાવના છે. જોકે, 14 મેના રોજ લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. 13 મેના રોજ તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, દાહોદ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. જોકે, વાવઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ જાય તે હાલ અનુમાન લગાવી શકાય તેમ નથી. હાલ તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે. પરંતુ લો પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.
રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ-મોન્સૂન (Pre monsoon) એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મ (Thunderstorm)ના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હજી પણ 13 મેના રોજ રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુનો અહેસાસ અને કમોસમી વરસાદ થઈ શકે છે.
અમદાવાદના એરપોર્ટ પર આવેલી હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાજયના અમદાવાદમાં ૪૧.૭ ડિ.સે., ડીસામાં ૪૦.૨ ડિ.સે.,ગાંધીનગરમાં ૪૧.૦ ડિ.સે.,વડોદરામાં ૪૦.૬ ડિ.સે.,સુરતમાં ૩૫.૬ ડિ.સે.,વલસાડમાં ૩૬.૫ ડિ.સે.,અમરેલીમાં ૪૦.૪ ડિ.સે.,ભાવનગરમાં ૩૮.૧ ડિ.સે.,રાજકોટમાં ૪૦.૮ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧.૦ ડિ.સે.,ભૂજમાં ૩૮.૨ ડિ.સે. અને નલીયામાં ૩૫.૪ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહશે. હાલ તાપમાન 41 ડીગ્રી આસપાસ પહોચ્યું છે. હજી પણ ચાર દિવસ સુધી તાપમાન 41થી 42 ડીગ્રી આસપાસ નોંધાશે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદ શહેરમાં 42 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાશે. ત્યારે હવે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવનાને પગલે અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.