ગાંધીનગર: (Gandhinagar) બિપોરજોય બાદ સપ્તાહના બ્રેક પછી પૂર્વ ભારત તરફથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસુ સિસ્ટમ સક્રિય થવા પામી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં ચોમાસુ સક્રિય થવા સાથે ૮૧ કરતાં વધુ તાલુકાઓમાં વરસાદ (Rain) થયો છે. તેમાંયે ખાસ કરીને પંચમહાલ, દાહોદ તથા વડોદરામાં ભારે વરસાદ થયો છે. પંચમહાલના ગોધરામાં ૪ ઈંચ વરસાદ થયો છે.
- લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજ્યના 81 તાલુકામાં વરસાદ, ગોધરામાં 4 ઈંચ
- પૂર્વ ભારતથી સરકીને આવેલી સિસ્ટમને પગલે 28મી સુધી વરસાદની આગાહી: દાહોદ, વડોદરામાં પણ બે ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ
વડોદરાના દેસરમાં ૨.૭ ઈંચ, આણંદમાં અઢી ઈંચ, કાલોલ તથા ભાવનગરના જેસરમાંમાં સવા બે ઈંચ, હાલોલમાં ૨ ઈંચ, ઉમરેઠમાં ૨ ઈંચ, ઠાસરામાં પોણા બે ઈંચ, સાવલીમાં પોણા બે ઈંચ, પંચમહાલના ઘોંઘંબામાં ૧.૪ ઈંચ, દાહોદના ધાનપુરમાં સવા ઈંચ, ખેડાના ગળતેશ્વરમાં સવા ઈંચ, વડોદરામાં ૧ ઈંચ, વિજાપુર અને નડીયાદમાં 1-1 ઈંચ વરસાદ થયો હતો. આ સાથે રાજયમાં ૧૬ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧થી ૪ ઈંચ જેટલો વરાસાદ થયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ રાજયમાં આગામી તા.૨૮મી જૂન સુધીમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સરેરાશ ગરમીનો પારો ૩૭થી ૩૯ ડિગ્રી નોંધાયો છે.