Gujarat

ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ છલકાઈ, રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા

અમરેલી: (Amreli) ગુજરાતમાં (Gujarat) વિધિવત ચોમાસું (Monsoon) બેસી ગયું છે. ગયા શનિવારથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે બુધવારે રાત્રે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાના લીધે રાજ્યમાં આ ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. અહીં વહેલીસવારે ખાંભા શહેર પાસેથી વહેતી ધાતરવડી નદી છલકાઈ હતી અને તેના પાણી રસ્તા પર વહેવા લાગ્યા હતા. ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ અમરેલી શહેરમાં મધરાતે 30 મિનીટમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે આખુંય શહેર જળબંબાકાર થયું હતું. ઉપરાંત સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા અહીંની શેત્રુંજી નદીમાં ખૂબ નીર આવ્યા હતા. ધોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીના પાણી આવતા લોકો જોવા માટે દોડી ગયા હતા.

દરમિયાન ગુરુવારે સવારે પણ વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામોમાં પડેલાં સારા વરસાદને લીધે ખેડૂતોને ટાઢક વળી છે. પાક બળી જવાના આરે હતી, પરંતુ વરસાદના લીધે બચી ગયા છે. સાવરકુંલામાં ધોધમાર વરસાદને લીધે રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંની નાવલી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. આ તરફ રાજુલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ રાતથી જ છૂટોછવાયો વરસાદ પી રહ્યો છે. અહીંના દેવકા અને હડમતીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં નદીના પાણી રસ્તા પર આવી ગયા છે. અહીં વીજળી ગૂલ થતા લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

આ તરફ લુણાવાડા અને બાલાસિનોરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બાલાસિનોરમાં દોઢ ઇંચ, વીરપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે લુણાવાડા શહેરના માંડવી બજાર, હુસેની ચોક, દરકોલી દરવાજા અને હટાડીયા બજારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા.

આ તરફ, મહીસાગરના અડીને આવેલા ખેડા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 1 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ખેડા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મોટા ભાગ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. પહેલા જ વરસાદમાં નડિયાદ, કપડવંજ, ખેડા, માતર, ઠાસરા, કઠલાલ, મહુધા, ગળતેશ્વર, મહેમદાવાદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

  • કપડવંજ તાલુકામાં 71 mm 
  • ખેડા તાલુકામાં 46 mm
  • ઠાસરા તાલુકામાં 35 mm
  • માતર તાલુકામાં 29 mm
  • મહેમદાવાદ તાલુકામાં 27 mm 
  • ગળતેશ્વર તાલુકામાં 20 mm
  • મહુધા તાલુકા 19 mm 
  • નડિયાદ માં 14 mm 
  • કઠલાલ તાલુકામાં 14 mm 

Most Popular

To Top