ગાંધીનગર: રાજયમાં (Gujarat) વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા લો પ્રેશર સિસ્ટમ ખસી ગયા પછી આજે ઉઘાડ નીકળ્યો હતો. છતાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે પવનની (Wind) સાથે શીત લહેરની અસર જોવા મળી હતી. રાજયમાં નલીયામાં ઠંડીની (Cold) અસર વધુ જોવા મળી હતી. ખાસ કરીને 11 ડિગ્રી ઠંડી સાથે નલીયામાં લોકો ઠરી ગયા હતા.આવતીકાલે રાજયમાં 5 જિલ્લામાં માવઠા (Rain) થવાની સંભાવના રહેલી છે.
- દિવસભર વાદળછાયું વાતાવરણ છતાં શીત લહેરની અસર 11 ડિગ્રી સાથે નલીયા ઠંડુગાર
- હજુયે 24 કલાકમાં દક્ષિણ- ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી, અમરેલીમાં 17, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું
- વાતાવરણમાં ઉઘાડ પડતા બે દિવસથી તાપમાનનો પારો સડસડાટ વધ્યો છતાં ઉત્તરના પવનો ફુંકાતા ઠંડીનું જોર યથાવત
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આજે હવામાન વિભાગે સાંજે ચેતવણી આપી હતી કે રાજયમાં આવતીકાલે તા.5થી ડિસે.ના રોજ આણંદ, ભરુચ, વડોદરા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થશે.
ઉત્તરના પવનો ફુંકાતા સુરતમાં ઠંડીનું જોર યથાવત
સુરત: શહેરમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો છતાં ઉત્તરના પવનો ફુંકાતા ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં લો પ્રેસર સિસ્ટમ નબળી પડતા વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો છે. આજે આછા વાદળછાયું વાતાવરણ બપોરે થોડો સમય રહ્યું હતું. વાતાવરણમાં ઉઘાડ પડતા બે દિવસથી તાપમાનનો પારો સડસડાટ વધ્યો હતો. આજે મહત્તમ તાપમાન વધું અડધો ડિગ્રી વધીને 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સાડા ત્રણ ડિગ્રી વધીને 20.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 74 ટકા ભેજની સાથે 4 કિલોમીટરની ઝડપી ઉત્તરનો પવન ફુંકાયો હતો. લોપ્રેસર સિસ્ટમ નબળી ભલે પડી હોય પરંતુ જમ્મુ કશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભારે હિમવર્ષા પડી છે. જેથી ઉત્તર ભારત પણ ઠંડીથી થથરી ઉઠ્યું છે. હવે શહેરમાં ઉત્તરનો પવન ફુંકાતા શીતલહેર પ્રસરી રહી છે. આગામી દિવસમાં તાપમાનમાં આંશિક વધારો ભલે થાય પણ ઠંડીનું જોર જોવા મળશે.