ગાંધીનગર: રાજયમાં (Gujarat) એક તરફ કોરોનાના દર્દીઓના સ્વજનોને ૧૫થી ૨૫ હજારની ઊંચી કિંમત લઈને રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection)વેચનારાઓને શોધી શોધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 23 ગુનાઓ નોંધી 57 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં રેમડેસિવિર જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ માટે પોલીસને (Police) કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસિવિર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનો પ્રયાસ કરાયો હતો જેમાં આરોપીઓ દ્વારા સીલબંધ ઇન્જેક્શનની શીશી લઇને તેના ઉપર રેમડેસિવિરના નકલી સ્ટીકર લગાડીને બનાવટી બોક્ષમાં પેક કરીને તેને સાચા રેમડેસિવિર તરીકે વેચવામાં આવતાં હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ-૮ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી છેતરપિંડીથી કોઇ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લેતાં ગુનામાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની (આઇ.પી.સી કલમ-૩૦૮) કલમો સહિત છેતરપિંડી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો લગાડવામાં આવી છે.
એવી જ રીતે વડોદરા ખાતે પણ અમુક વ્યકિતઓ દ્વારા રેમડેસિવિરના કુલ-૪૫ ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે કબ્જામાં રાખી તેને નિયત કરતાં વધુ કિંમતે વેચવા પ્રયત્ન કરવામાં આવી રહયા હતા. આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનો દાખલ કરી ૫ આરોપીઓની રૂા. ૫.૧૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા અંગેના અને કાળાબજારી અંગેના રાજયમાં૨૩ ગુન્હાઓ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં નવ અને સુરત,રાજકોટ અને વડોદરા શહેરમાં ત્રણ ત્રણ ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં એક એક ગુનો નોંધવામાં આવેલ છે.
આ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આવા કાળા બજારીયાઓ સામેના ગુનાઓમાં રાજયમાં અત્યારે વિવિધ કાયદાઓની કલમો લગાડવામાં આવતી હતી જે અંર્તગત ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ (IPC કલમ- 308) જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, છેતરપિંડી અને વિશ્વાસઘાત (IPC કલમ- ૪૨૦, ૪૦૫) જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, ભેળસેળ (IPC કલમ- ૨૭૪, ૨૭૫) જેમાં ૬ મહિના સુધીની કેદની જોગવાઇ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ-૭ જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કલમ-૫૩ જેમાં ૨ વર્ષની સજાની જોગવાઇ છે. પરંતુ, કોવીડ-૧૯ જેવી મહામારીના સમયે કોરોનાના દર્દીઓને રેમડેસિવિર જેવી દવાના જરૂરીયાત અને માંગનો ફાયદો મેળવવા સારૂ દર્દીઓના સ્વાસ્થ સાથે ચેડા કરતાં મોતના સોદાગરોને નશ્યત કરવા માટે ડુપ્લીકેટ ઇન્જેક્શન લેવાથી દર્દીઓના મોત નિપજી શકે તેવુ જાણવા છતા જરૂરીઆતમંદ દર્દીઓની મજબુરીનો લાભ લઇ ષડયંત્ર રચી માનવતા વિરૂદ્ધનું કૃત્ય આચરી જધન્ય અપરાધ કરે છે તેના ઉપર હવે પાસા અને PREVENTION OF BLACKMARKETING AND MAINTENANCE OF SUPPLIES OF ESSENTIAL COMMODITIES ACT, 1988 (PBM Act) હેઠળ Detention કરવામાં આવશે.