ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આવતી કાલથી ધોરણ 1થી 5ની સ્કૂલો (Schools) શરૂ થશે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં 1 થી 5 ધોરણના વર્ગો (Class 1 to 5) ક્યારથી શરૂ થશે તેની જાણકારી શિક્ષણમંત્રીએ આપી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સોમવારથી ધોરણ 1 થી 5 ના વર્ગોની (Offline Class) શરૂઆત થશે. જોકે વર્ગોમાં હાજરી મરજિયાત રાખવામાં આવી છે. તેમજ વાલીઓની મંજૂરી સાથે જૂની SOPનું કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. બાળકોની ઉંમર નાની હોવાથી સ્કૂલો અને વાલીઓએ વધારે તકેદારી રાખવાની રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
મંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદ સુરતથી સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમા છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષણનુ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થયુ છે, અને વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હતા. હવે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં એકથી પાંચના વર્ગો શરૂ થતાં વાલીઓએ રાહતનો દમ લીધો છે. એકથી પાંચના વર્ગો આવતીકાલથી એસઓપીના અમલ સાથે શરૂ કરાવવામાં આવશે. વાલીઓની મંજૂરી સાથે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાશે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, સરકાર બાળકોને ભૂલ્યા ત્યાંથી ભણતરની શરૂઆત કરાવશે. વાલીઓ મંજૂરી સાથે બાળકોને સ્કૂલમાં મોકલી શકાશે. નાના બાળકોના પણ સ્કૂલે જવા માટે ફોન આવતા હતા. તેથી આખરે નિર્ણય લેવાયો છે. જોકે, હાલ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રાખી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.
છેલ્લા બે વર્ષથી માસુમ બાળકો ઘરમાં પૂરાઈને ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા. બાળકો લાંબા સમયથી સ્કૂલમાં જઈ શિક્ષણથી વંચિત રહ્યા છે જેથી વાલીઓ ઇચ્છતા હતા કે તેઓનો અભ્યાસ શરૂ થાય.કેટલાક બાળકો તો એવા હતા જેઓ શાળાનું પગથિયુ પણ ચઢ્યા ન હતા. શિક્ષણ મંત્રીએ બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે, બાલ મંદિર એ પણ અધિકૃત રીતે નથી, પણ ભવિષ્યમાં નવી એનએપીમાં નવા બાલમંદિર રજીસ્ટર થવાના છે, પણ એસઓપીના નિયમોનું પાલન કરીને ભવિષ્યમાં બાળ મંદિરની ડિમાન્ડ આવશે ત્યારે તે અંગે ચર્ચા કરીને છૂટ આપીશું.