Gujarat

ગુજરાતમાં 3.79 લાખ એકરમાં પ્રાકૃતિક ખેતી, 10 લાખથી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 3.79 લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી (Natural farming) થઈ રહી છે. રાજ્યની 1036 ગ્રામ પંચાયતમાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. 14,455 ગ્રામ પંચાયત પૈકી 14,338 ગ્રામ પંચાયતમાં એકથી વધારે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. ગુજરાતમાં 3.26 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે, તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભામાં કહ્યું હતું.

આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં દસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આ ફેબ્રુઆરી મહિનામાં જ આ જ સુધીમાં 1,116 પ્રશિક્ષણ તાલીમ વર્ગો દરમિયાન 47,305 ખેડૂતને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય અનિવાર્ય છે. રાજ્ય સરકાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે વર્ષે ₹રૂ.10,800ની આર્થિક સહાય આપે છે. રૂ₹.1,84,000 હજાર ખેડૂતોને 320 કરોડની આવી આર્થિક સહાય આપવામાં આવી છે.

ડાંગ જિલ્લાને સંપૂર્ણરૂપે રસાયણમુક્ત જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. ડાંગમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા બે હેક્ટર સુધી ₹20,000ની આર્થિક સહાયતા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 16,188 ખેડૂતે આ સહાયનો લાભ લીધો છે. આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે પરિણામલક્ષી પ્રયત્નો કરવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યની પાંચ કૃષિ યુનિવર્સિટીઓમાં અલગ અલગ 12 પાક પર પ્રાકૃતિક ખેતીના સંદર્ભે સંશોધનો થઈ રહ્યાં છે. કૃષિ વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃતિક કૃષિને અભ્યાસક્રમમાં દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ શૈક્ષણિક વર્ષથી કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક કૃષિને અભ્યાસક્રમમાં આમેજ કરશે.

Most Popular

To Top