Gujarat

નર્મદા પૂર માનવસર્જિત? એકદમ 18 લાખ ક્યુસેક પાણી છોડાતાં ત્રણ જિલ્લાઓમાં પૂર આવ્યું

અમદાવાદ: નર્મદા બંધ (Narmada Dam) ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે, જો કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારત છે. 14 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદ (Heavy Rain) શરૂ થયો હતો, નર્મદામાં (Narmada) ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયો, નર્મદા ડેમના અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ના કર્યું. સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે, અધિકારીઓની બેદરકારીના કારણે 18 લાખ ક્યુસેક પાણીનો જથ્થો એકદમ છોડવામાં આવ્યો છે. એકસાથે પાણી આવતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરી વળ્યા છે. જેથી આ ગુનાહીત બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવે, તેવું પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે નર્મદા ડેમના સંચાલન અધિકારીઓની બેદરકારીને લીધે ફરી એક વખત નર્મદા બંધના નીચેના વિસ્તાર પુરગ્રસ્ત બન્યા છે. ડેમના સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલકર્વનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે, તા. 14, 15, 16 સપ્ટેમ્બરના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા. ભારે વરસાદની માહિતી સ્પષ્ટ છે. સીડબલ્યુસી અને એસએસપી અધિકારીઓને દર કલાકે થતા વરસાદના આંકડા મળે છે.

જેના આધારે સરદાર સરોવર પરિયોજનામાં કેટલું પાણી બંધમાં આવશે તેનું પુર્વાનુમાન કરી શકે અને આનુસંગિક પગલા ભરી શકે. ફરજચૂક બદલ તેમની સામે કાર્યવાહી કરી રકમ વસૂલવામાં આવે, ત્રણ જિલ્લાઓમાં કરોડોના માલ-સામાનને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી ના આપ્યું અને આયોજનના અભાવે પાણી દરિયામાં વહી ગયું છે.
નદીમાં પાણી છોડવાનું શરૂ કરવા માટે પૂરતી કાર્યવાહી કરવા યોગ્ય માહિતી ઉપલબ્ધ હતી. આ સ્પષ્ટ હકિકત પછી કોના આદેશથી બંધનું સંચાલન રુલકર્વ મુજબ કરવામાં ન આવ્યું? બેદારકારી દાખવનાર અધિકારીઓ કોના ઈશારે કામ કરી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતના નાગરિકોને મળવો જોઈએ.

ભરૂચ જિલ્લામાં ૬૨૫૪ લોકોનું સલામત સ્થળાંતર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતિર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારો, અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા,જુના ટોઠીદરા,જુની જરસાડ, લીમોદરા, હાંસોટ, તાલુકો અને વાગરા તાલુકા મળી કુલ ૬૨૫૪ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

Most Popular

To Top