ગાંધીનગર : આજે નવી દિલ્હીમાં (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની (Niti Aayog) 7મી ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહભાગી થયા હતા અને ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું.
પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેન્ટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ ૩.૦ ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે, વડાપ્રધાનના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ૩૦ ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા SIR અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી પરિયોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીપદ કાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા જે નવતર અભિગમ અપનાવ્યા તે ગુજરાતની આ કૃષિક્રાંતિના મૂળમાં છે એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પાછલા બે દશકમાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધીને ૪.૮૦ લાખ હેક્ટરમાંથી ર૦ લાખ હેક્ટરે પહોચ્યો છે તેમજ દાળની ખેતીનો વિસ્તાર ૬પ ટકા વધ્યો છે તેની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિમાં SPVના માધ્યમથી વધુ વિસ્તાર આવરી લઇ દાડમ, ખજૂર અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) જેવા ફળોની ખેતીને પણ સામેલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ૯૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમનું કામ પૂર્ણ
મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું. તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે. તેમણે કહ્યું હતું કે, શહેરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વિકાસ તેમજ નાગરિક લક્ષી શાસન માટે વિવિધ કલ્યાણ યોજનાઓને ટોચની અગ્રતા આપેલી છે. રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ રજુ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ત્રિસ્તરીય રોડમેપ અંતર્ગત રાજ્ય સરકાર શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શિતાથી ઘડીને કાર્યરત કરે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં ૯૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમનું કામ પૂર્ણ થઇ ગયું છે.
૭૮૦૦ યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ પુરૂં થઇ ગયું
ગુજરાતમાં ફયુચરીસ્ટીક સિટીની જે પરિકલ્પના વડાપ્રધાનએ આપેલી છે તેને સુસંગત આયોજનબદ્ધ શહેરી નિયોજન દ્વારા ગિફટ સિટી દેશના મુખ્ય નાણાંકીય અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યના દરેક શહેરોમાં યોજનાઓની ત્વરિત અને પારદર્શી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા ગત બે વર્ષમાં અંદાજે ૧ લાખ વિકાસ કામોને સરકારે અનુમતિ આપી છે. એટલું જ નહી, સમગ્ર રાજ્યમાં એક સમાન બિલ્ડીંગ બાયલોઝ માટે કોમન GDCR અમલી બનાવવામાં આવેલો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પણ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકારે ૧૬૬ સ્લમ્સમાં પ૯ હજાર આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધર્યુ છે અને ૭૮૦૦ યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ તો પુરૂં પણ થઇ ગયું છે.