અમદાવાદ: (Ahmedabad) કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેન્ટ થવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે. જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
રદ થયેલી ટ્રેનોમાં અમદાવાદ-પુણે સ્પેશિયલ 25 થી 27 જુલાઈ 2021 સુધી રદ રહેશે. પુણે – અમદાવાદ સ્પેશિયલ 24 થી 26 જુલાઈ 2021 સુધી રદ રહેશે. તેવી જ રીતે 25 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી ચાલતી અમદાવાદ – છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ કોલ્હાપુર સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે. પુરી-ગાંધીધામ સ્પેશિયલ 26 જુલાઈ અને 02 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે. ગાંધીધામ – પુરી સ્પેશિયલ 30 જુલાઇ અને 06 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે. રીસટોર્ડ ટ્રેનોમાં 23 જુલાઇ 2021 ના રોજ જામનગરથી ચાલતી જામનગર – તિરુનેલવેલી સ્પેશિયલ ફરીથી ચાલુ કરાઈ છે. આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ઉપર દોડશે.
ગોંડલમાં વીજળીના કડાકા ભડાકા સાથે 5 ઈંચ વરસાદ
ગાંધીનગર : રાજયમાં ફરીથી મોનસુન સિસ્ટમ સક્રિય થઈ ગઇ છે. જેના પગલે આજે શનિવારે રાજયમાં 81 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ખાસ કરીને રાજકોટ નજીક ગોંડલમાં ગાજવીજ સાથે 5 ઈંચ વરસાદ થયો છે. રાજકોટ સિટીમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ અને રાજકોટમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતું.
ગોંડલમાં બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તે પછી લોધિકામાં સવા ત્રણ ઇંચ, જેતપુરમાં સવા બે ઇંચ, ધંધુકામાં બે ઇંચ, રાજકોટ તાલુકામાં બે ઇંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઇંચ, અમરેલીમાં દોઢ ઇંચ, બરવાળામાં સવા ઇંચ, સાણંદ અને જામ કંડોરણામાં એક ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 81 તાલુકાઓમાં વરસાદ થયો છે.
હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત ઉપર સાયકલોનિક સરકયૂલેશન અને લો પ્રેશરની અસર રહેલી છે. જેના પગલે આગામી તા.27મી જુલાઈ સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના રહેલી છે. જો કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ચટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો . જેમાં વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ થયો હતો.