Gujarat

રાજ્યમાં મેઘગાડી ટોપ ગિયરમાં: ગોધરા, શહેરા અને વિરપુરમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગાંધીનગર: ગુજરાત (Gujarat) પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં સતત 48 કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં 239 મિ.મી., શહેરામાં 232 મિ.મી. અને મહિસાગરના વિરપુરમાં 228 મિ.મી. એટલે કે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 3 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 210 મિ.મી., અરવલ્લીના બાયડમાં 208 મિ.મી. અને ધનસુરામાં 202 મિ.મી. વરસાદ નોંધાયો છે. એકંદરે રાજયમાં 204 તાલુકાઓમાં વરસાદ થયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રો મુજબ આજે તા. 18મીના રોજ સવારે 24 કલાક દરમ્યાન પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં 184 મિ.મી, મહીસાગરના લુણાવાડામાં 172 મિ.મી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 171 મિ.મી., ખેડાના કપડવંજમાં 157 મિ.મી. અને મહુધામાં 151 મિ.મી. એમ મળી કુલ પાંચ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 149 મિ.મી, મહેસાણાના કડીમાં 148 મિ.મી, મહીસાગરના બાલાસિનોરમાં 146 મિ.મી, ખેડાના કઠલાલમાં 143 મિ.મી, અરવલ્લીના મેઘરાજ 135 મિ.મી, ખેડાના નડિયાદમાં અને ગાંધીનગરના માણસામાં 127 મિ.મી વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય બે તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 121 મિ.મી. અને ખેડાના ગલતેશ્વરમાં 108 મિ.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય 27 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 99 મિ.મી, અરવલ્લીના મોડાસામાં 98 મિ.મી, પંચમહાલના જાંબુઘોડામાં 93 મિ.મી, અમદાવાદ શહેરમાં, હિંમતનગર અને વડોદરા જિલ્લાના ડેસરમાં 92 મિ.મી, દાહોદના સિંગવડમાં 90 મિ.મી, આણંદના ઉમરેઠમાં 88 મિ.મી., દાહોદના ધાનપુરમાં 87 મિ.મી., સાબરકાંઠાના વિજયનગરમાં અને પંચમહાલના હાલોલમાં 86 મિ.મી., અમદાવાદના દસ્ક્રોઇમાં 85 મિ.મી., આણંદમાં 84 મિ.મી., ખેડાના મહેમદાવાદ અને દાહોદના ગરબાડામાં 83 મિ.મી, ગાંધીનગરના કલોલમાં 82 મિ.મી. જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે મહીસાગરના ખાનપુરમાં, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં અને પાટણમાં 80 મિ.મી., મહેસાણાના વિસનગરમાં 79 મિ.મી., પંચમહાલના કાલોલમાં અને દાહોદના ઝાલોદમાં 78 મિ.મી., દાહોદના સંજેલી, દેવગઢબારીયા અને અરવલ્લીના ભિલોડામાં 77 મિ.મી., ગાંધીનગર શહેર અને ખેડાના ઠાસરામાં 76 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 27 તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૬.૫૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૪.૯૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૫.૬૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૨.૫૦ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

Most Popular

To Top