ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. તેના આધારે તાજેતરમાં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં પૂરના કારણે ખેડૂતોને (Farmers) થયેલા નુકસાન સામે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાહત પેકેજ જાહેર કરાયું છે.
- બિન પિયત કૃષિ અને બાગાયતી પાકોમાં ₹8,500 પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં 25,000ની સહાય
- બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 37,500ની સહાય: તમામ સહાય હેક્ટર દીઠ અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રહેશે
કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8,500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ 8,000 પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર હેક્ટર દીઠ રૂપિયા 22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹૨૨,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમજ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં. આ સંદર્ભે અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે. આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.