Gujarat

કોરોનાના નવા વેરિએન્ટના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં, આરોગ્ય તંત્ર દોડતું થયું

ગાંધીનગર: કોરોનાના (Corona) નવા વેરિએન્ટ JN 1 કેસ ગુજરાતમાં (Gujarat) ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના આ નવા વેરિએન્ટના 36 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાત, કેરળ અને રાજસ્થાનમાં હાલમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. દેશના 8 રાજ્યોમાં હાલમાં કુલ 109 કેસ એક્ટિવ છે.

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા સબ વેરિએન્ટ JN 1 ભારતની ચિંતા પણ વધારી છે. દિન પ્રતિદિન દર્દીની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે, તેના પગલે આરોગ્ય તંત્ર એક્ટિવ થયું છે. મંગળવાર તા. 26મી ડિસેમ્બરના રોજ દેશના 8 રાજ્યોમાં JN 1ના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં ગુજરાતમાં સૌથી વધારે 36 કેસ છે. જે દેશમાં સૌથી વધારે છે.

આ ઉપરાંત કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયો છે.

અમદાવાદમાં મહિલાનું મોત
ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં મંગળવારે અમદાવાદ શહેરમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થતાં ગભરાટ પછી જવાબ આવ્યો છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં એક 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાથી મૃત્યુ થયું હતું. 82 વર્ષીય આ મહિલાને કોરોના ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ પણ હતી. જેના કારણે સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટથી રાજ્યનો આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. જો કે, મંગળવારે અમદાવાદ મનપામાં કોરોનાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં હાલમાં કોરોનાના 35થી વધુ એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે.

Most Popular

To Top