અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) પોલીસ કર્મચારીઓના (Police Employee) ગ્રેડ પેની (Grade-Pay) માગણીનો મુદ્દો દિવસે દિવસે વેગ પકડતો જાય છે. આજે ત્રીજા દિવસે આ આંદોલન (Protest) વધુ ઉગ્ર બન્યું હતું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો ઘરણા પર બેઠા છે. ત્યાં આજે અમદાવાદના આજે અનેક વિસ્તારોમાં પોલીસ લાઈનમાં પોલીસ કર્મચારીના પરિવારજનો મહિલાઓ બાળકો (Ladies and Children) સહિત થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.
ગ્રેડ- પેની માગણી સાથે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું સોશિયલ મીડિયા આંદોલન હવે રસ્તાઓ સુધી પહોંચી ગયું છે. આજે અમદાવાદ શહેરના શાહીબાગ, દાણીલિમડા અને ઇસનપુર પોલીસ લાઈનમાં મહિલાઓ અને બાળકો થાળી -વેલણ વગાડતાં વગાડતાં ગ્રેડ-પેની માગણી સાથે હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરી રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ ઉપરાંત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ થાળી- વેલણ સાથે વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે ગ્રેડ-પેની માગણી આપવા માટે દેખાવો કર્યા હતાં, સાથે જ જ્યાં સુધી આ માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ રીતે જ રસ્તા પર ઉતરીને આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદ ઉપરાંત મહેસાણા ખાતે પણ પોલીસ લાઈનમાં મહિલાઓ અને બાળકોએ થાળી -વેલણ સાથે ડીએસપી કચેરી સામે દેખાવો કર્યા હતાં. તેવી જ રીતે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ પોલીસના પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. પોલીસની ગ્રેડ-પેની માગણીના સમર્થનમાં જુદા જુદા સમાજના વર્ગો, અનેક સંગઠનો આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના સીનિયર આગેવાન જગદીશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી પોલીસની ગ્રેડ-પેની માગણી અંગે વિચારણા કરવા રજુઆત કરી છે. સાથે જ ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહે પણ પોલીસની માગણીને સમર્થન આપ્યું છે.
સરકાર ખુલ્લા મનથી પોલીસ કર્મીઓની ગ્રેડ પેની માંગણી ઉકેલવા તૈયાર : જીતુ વાઘાણી
ગાંધીનગર : આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી પણ આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યોને મળ્યા હતાં. તેમણે પણ આ મામલો ઉકેલવાની ખાતરી આપી છે. વાઘાણીએ કહ્યું હતું કે, રાજય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓનો પગારનો પ્રશ્ન ઉકેલવા માટે સરકારનું મન ખુલ્લુ છે. સરકાર દ્વારા એક કમિટી પણ રચવામાં આવી છે. પોલીસ કર્મચારીના કિસ્સામાં જો કોઇ સરકારી ધારા ધોરણો હોય તે મુજબ મળવાપાત્ર લાભ આપવા સરકાર તૈયાર છે. અલબત્ત આપણે એ પણ યાદ રાખવુ જોઈએ, કે રાજયની કાયદો વ્યવસ્થા તથા પ્રજાના પ્રજાના જાનમાલના ભોગ આંદોલન કરવું જોઇએ નહીં. સરકાર આ મુદ્દે પોઝિટિવ વિચારણા કરી રહી છે.