ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વહેલી યોજાવાના સંકેત મળી રહ્યાં છે. સરકારે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમયે પાટીદારો પર થયેલા કેસોને (Case) પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પાટીદાર આંદોલન સમયથી પાટીદાર યુવાનો પર ચાલી રહેલાં 10 કેસ પર સુનાવણી 15મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સાથે જ હાર્દિક પટેલ (HardikPatel) વિરુદ્ધ ચાલી રહેલાં વધુ 2 કેસ પાછા ખેંચવાની પણ તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પાછા ખેંચી લેવાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચ, સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. હાર્દિક પટેલ સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલાં કેસ અંગે 15મી એપ્રિલના રોજ નિર્ણય જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાટીદારો સામે ચાલી રહેલા આંદોલનના કેસ પરત ખેંચવા માંગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે તેણે આ માંગણી કરી હતી. આવા 400 બનાવો અંગે ગુના જે તે સમયે દાખલ થયા હતા. આ કેસ પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પુરું નહીં થયું હોય હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માગ કરી હતી.
નોંધનીય છે કે 2015માં પાટીદાર આંદોલન થયું ત્યારે કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી 228 પોલીસ ફરિયાદો રદ કરી દેવાઈ છે, હજુ 140થી વધુ કેસો પેન્ડીંગ છે. 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાંક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યો હતો. હાર્દિક પટેલની અમદાવાદની સભા બાદ રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવાનોના મોત નિપજ્યા હતા. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતની તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પર દબાણ આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે નરેશ પટેલની અધ્યક્ષતામાં રવિવારે કોંગ્રેસ અને પાસા આગેવાનોની ખોડલધામ ખાતે એક બેઠક મળી હતી, જેમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ હતી. આજે રાજ્ય સરકારે કેસ બાબતે મહત્ત્વનો નિર્ણય લેતાં ચૂંટણી પહેલાં રાજકીય સ્થિતિ બદલાઈ છે.
દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ સરકારના નિર્ણયને આવકાર્યો છે પરંતુ સાથે એ પણ કહ્યું છે કે, સરકારના નિર્ણયમાં સુરતના કેસોનો ક્યાંય ઉલ્લેખ નથી. પાસ નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું કે, પાટીદારો પર 200થી વધુ કેસ છે, જેમાંથી 10 પરત ખેંચવાની જાહેરાત થઈ છે. સરકાર આ વિવાદનો અંત લાવવા માંગતી હોય તો તમામ કેસ એક ઝાટકે ખેંચી લેવા જોઈએ. સરકારની ઈચ્છાશક્તિના અભાવ પ્રત્યે માલવિયાએ આંગળી ચીંધી હતી.