Gujarat

ગુજરાત સરકાર: આયુષ્યમાન કાર્ડ ધરાવનારા લોકો માટે ખર્ચની સીમા 5થી વધારી 10 લાખ રૂપિયા કરાઈ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) અંતર્ગત ગુજરાતમાં (Gujarat) સ્વાસ્થ્ય સેવાનો લાભ લેતા આયુષ્યમાન કાર્ડ (Ayushman card) ધારકો માટે સારા સમાચાર છે. હવે લોકો 5 લાખને બદલે 10 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ (10 Lac) કરી દેવામાં આવી છે. આ કાર્ડ ધરાવતા દરેક પરિવારના સભ્યને અત્યાર સુધી 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ મળતો હતો. હવે તે 10 લાખ રૂપિયા થઈ ગયો છે.

ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં ભાજપાએ (BJP) ચૂંટણીમાં (Election) આપેલાં વચનો પૂર્ણ કરવા સરકારે તેજ ગતિએ કવાયત શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી-સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100-100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત)નો બમણો લાભ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ.10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે. એટલે કે, હવેથી એક પરિવારને એક વર્ષ દરમિયાન સરકાર માન્ય હોસ્પિટલોમાં 10 લાખ સુધીની મર્યાદામાં તબીબી સારવાર મળી શકશે.

મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ
મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આર્થિક સંકડામણ અનુભવતા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો સત્વરે પ્રારંભ કરવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ
દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂઇંગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર-2023ની જન્માષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિપૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજિત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવના અધ્યક્ષતામાં સિનિયર સચિવોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવનાર છે.

Most Popular

To Top