Gujarat Main

વાયબ્રન્ટનાં નામે તાયફાઓ કરીને રોજગારીના દાવાની સરકારની પોલ ખુલી ગઈ : પરેશ ધાનાણી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં ગુજરાતમાં સને ૨૦૧૯માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કુલ કેટલી રોજગારી (Empolyment) ઊભી થવાનો અંદાજ હતો અને તે પૈકી આ સમિટમાં રોજગારીના અંદાજ સામે કેટલી રોજગારી ઊભી થઇ? આ પ્રશ્નના લેખિતમાં જવાબમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે કહ્યું હતું કે ગુજરાતમાં સને ૨૦૧૯માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં અંદાજે કુલ ૨૦,૯૦,૩૩૯ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો આ સમિટમાં રોજગારીના અંદાજ સામે ઉત્પાદનમાં ગયેલા પ્રોજેક્ટસમાં ૩,૫૫,૧૬૩ની રોજગારી ઊભી થઇ છે.

વિધાનસભામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દર બે વર્ષે વાઈબ્રન્ટના નામે તાયફા કરીને કરોડો રૂપિયાનું મુડીરોકાણ અને લાખો લોકોને બેરોજગારી આપવામાં આવતી હોવાના દાવા કરે છે, પરંતુ સરકારના આ દાવાની પોલ ખુદ સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં ખુલી ગઈ છે. ગુજરાતના લાખો શિક્ષિત, અર્ધશિક્ષિત અને બેરોજગાર યુવાનોને નોકરીના સપના દેખાડનારી ભાજપ સરકારની આ યુવાનો સાથે છેતરપિંડી છે. કોરોના મહામારીને કારણે અનેક કુટુંબો આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા છે. અનેક લોકોની નોકરી છીનવાઈ ગઈ છે છતાં રાજ્ય સરકાર આ યુવાનો કે બેરોજગારોને રોજગાર આપવાને બદલે માત્રને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરતી હોવાનું સરકારે આપેલા આંકડા પરથી પુરવાર થાય છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કુલ 188 બનાવો બન્યા
પરેશ ધાનાણીના અન્ય એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કુલ 188 બનાવો બન્યા છે. આ બનાવો બાદ જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારી સામે ફોજદારી રાહે તેમજ ખાતાકીય રાહે ફરજ મોકૂફી તથા રોકડ દંડની સજા જેવા શિક્ષાત્મક પગલાં લીધેલા છે. તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં મૃતકના વારસદારોને રૂા.૬,૦૦,૦૦૦નું વળતર ચૂકવવામાં આવેલું છે, ભલાણો પૈકી કોઈ વળતર ચૂકવવાનું બાકી રહેતું નથી.

Most Popular

To Top