ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યનાં કેટલાક શહેરમાં વરસાદના (Rain) ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે તા. 20થી 22 એપ્રિલ કમોસમી (Unseasonal ) વરસાદ પડી શકે છે. 18 એપ્રિલથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીનો પારો નીચે ગયો હતો અને વાતાવરણમાં (Atmosphere) ઠંડક (Cold) પસરી હતી. આ સાથે જ આજે એટલે કે તા.20 એપ્રિલે રાજ્યાના કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં માવઠાની અસરથી ખેડૂતોનો પાક બગડવાની ભીતી સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડો પવન ફૂંકાશે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી. આ સાથે જ જૂનાગઢ સહિત અન્ય શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે કેટલાક વિસ્તામાં ઠંડા પવનનો અનુભવ થયો હતો. જૂનાગઢ, રાજકોટ, જેતપુર સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. આ સાથે જ માળીયાહાટીના તાલુકાના ગડોદર, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ઠંડા પવનના કારણે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા અને કમોસમી વરસાદીની આગાહીથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. રાજ્યમાં માવઠાના કારણે તેલ, ઘઉં, બાગાયતી પાકોમાં કેરી, લીબું જેવા પાકોને નુકસાન થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાતાવરણને જાતો રાજકોટ યાર્ડમાં હાલ નવી આવકો બંધ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને ખુલ્લામાં પાક નહીં ઉતારવવા સૂચન કરવામાં આવ્યું છે. હાલમાં સૌથી વધુ ચણા,ઘઉં, લસણ, મગફળી સહિતના પાકની આવક ચાલું છે.
આજે રાજ્યમાં માવઠાની, કચ્છમાં હિટવેવની ચેતવણી
ગાંધીનગર: રાજ્યમાં મંગળવારે કચ્છમાં હીટ વેવની અસર જોવા મળી હતી. જ્યારે તા.20મી એપ્રિલે રાજ્યમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છ પ્રદેશમાં હીટ વેવની અસર રહેશે, તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે.
જ્યારે રાજ્યમાં તા.20 તથા 21મી એપ્રિલે માવઠાની ચેતવણી આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ અને દિવ તથા દમણમાં માવઠાની વકી રહેલી છે.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મંગળવારે કચ્છમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે., કંડલા પોર્ટ 40 ડિ.સે., અમરેલીમાં 42 ડિ.સે. ભાવનગરમાં 39 ડિ.સે., રાજકોટમાં 43 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 42 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
મોસમનો મિજાજ બદલાયો: સુરત જિલ્લામાં તા.21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
બારડોલી : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તા.20થી 24 એપ્રિલ-2022 દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની તેમજ 21 અને 22 એપ્રિલ દરમિયાન છૂટીછવાઈ જગ્યાઓ પર અતિ હળવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદ અને પવન ફુંકાવાથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે. ત્યારે ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૂચનો જારી કરવામાં આવ્યાં છે.
21થી 23 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તા.22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ઘટાડાની શક્યતા છે. જિલ્લામાં આ દિવસો દરમિયાન સરેરાશ 12.1થી 18.1 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં વધુ ઝડપે પવન ફુંકાઈ શકે છે. માંડવી તાલુકામાં 22થી 30 કિમી પ્રતિ કલાક અને માંગરોળ તાલુકામાં 18થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
ખેડૂતોએ રાખવાની તકેદારીકમોસમી વરસાદથી થતાં પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવુ અંગે સૂચના આપવામાં આવી છે. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, પાકોમાં ફળોની વીણી કરીને ફળઝાડોને પવન સામે રક્ષણ માટે ટેકો આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર કે નવું ખરીદેલું બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવા તેમજ જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે. સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રોને પાકોમાં વરસાદ પડી ગયા બાદ વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે.