ગુજરાતના ભરૂચ (BHARUCH) જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કેમિકલ કંપની યુપીએલ -5 પ્લાન્ટમાં વિસ્ફોટ (EXPLOSION)થી ધડાકા સાથે અચાનક આગ (MASSIVE FIRE) ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ વિસ્ફોટો અને આગમાં ઓછામાં ઓછા 24 લોકો ગંભીર રીતે ઘાયલ (24 INJURED) થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે બે વાગ્યે બની હતી. જેથી લોકોને બહાર નીકળવાનો પૂરતો સમય મળી શક્યો ન હતો પરિણામે લોકો ઈજાગ્રસ્ત થયા છે..
15 કિલોમીટર સુધીના વિસ્તારમાં ભૂકંપનો અહેસાસ
ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. અને વિસ્ફોટને કારણે આસપાસના ગામમાં રહેતા લોકોને ભૂકંપ જેવો અહેસાસ થયો હતો. આને કારણે કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા ફાયરના અનેક એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર સૂત્રો મુજબ આ અકસ્માત કંપનીના સીએમ પ્લાન્ટમાં થયો હતો.
યુપીએલ કંપનીમાં લાગેલી આગમાં 24 કર્મચારી ઘાયલ થયા છે. તેમને ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી આ ઘટનાનું કારણ જાણી શકાયું નથી. ફાયરમેન આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગને લીધે, આજુબાજુ ધુમાડો જોવા મળી રહ્યો છે. પ્રથમ આગના ગોટેગોટા અને બાદમાં ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂર સુધી દેખાય રહ્યા છે.
કેટલાક અહેવાલો મુજબ, યુપીએલ કંપનીમાં થયેલા વિસ્ફોટના પગલે દધેરા, ફુલવાડી અને કાર્લસાડી વિગેરે આસપાસના ગામોમાં મકાનોની બારી પર કાચ તૂટી પડ્યા હતા. વિસ્ફોટ બાદ ફાયર બ્રિગેડની મોટી ટીમ સ્થળ પર હાજર થઇ ગઈ છે. ટીમ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ગત વર્ષે થયેલ વિસ્ફોટમાં 10 લોકોના થયા હતા મોત
નોંધનીય છે કે ગયા વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં ભરૂચ સ્થિત એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં વિસ્ફોટ સ્ટોરેજ ટાંકીમાં થયો હતો. અને પટેલ જૂથની આ કંપનીમાં વિસ્ફોટના કારણે 10 લોકોનાં મોત પણ નીપજ્યાં હતાં. જેમાં ઘટના સ્થળે છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન ચારનું મોત નીપજ્યું હતું.