Gujarat

‘…તો આફતાબ દરેક શહેરમાં પેદા થશે’: ગુજરાતની ચૂંટણીમાં શ્રદ્ધા હત્યા કેસનો મુદ્દો ઉછળ્યો

કચ્છ: મુંબઈની શ્રદ્ધા વાલ્કરની (Shradhdha Murder) દિલ્હીમાં તેના લિવ ઈન પાર્ટનર આફતાબ (Aftab) દ્વારા ઘાતકી હત્યાનો મુદ્દો હવે ગુજરાતની ચૂંટણીમાં ઉછળ્યો છે. ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સર્માએ (Himanta Biswa Sarma) આજે કચ્છમાં એક સભામાં જનતાને સંબોધતા કહ્યું કે, ”જો દેશમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) જેવા મજબૂત નેતા નહીં હોય તો એ દિવસ દૂર નથી જ્યારે દરેક શહેરમાં આફતાબ પેદા થશે. અને ત્યારે આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં. ”

હિમંતા બિશ્વા સર્માએ શ્રદ્ધા વાલ્કર હત્યાકાંડને લવજેહાદ (Love Jihad) ગણાવતા કહ્યું કે, મુંબઈથી પ્રેમજાળમાં ફસાવી આફતાબ શ્રદ્ધાને દિલ્હી લઈ ગયો અને લિવ ઈનમાં રહેવા લાગ્યો. જ્યારે શ્રદ્ધાએ મેરેજ માટે દબાણ કર્યું તો ક્રુરતાથી હત્યા કરી શરીરના 35 ટૂકડાં કરી નાંખ્યા અને નવું ફ્રિઝ લાવી તેમાં મુક્યા. એટલું જ નહીં જ્યારે ફ્રિઝમાં શ્રદ્ધાના શરીરના ટુકડાં પડ્યા હતા ત્યારે બીજી છોકરીને લાવી આફતાબ તે જ ફ્લેટમાં રંગરેલિયા મનાવતો હતો.

આ તબક્કે હિમંતા બિશ્વાએ કહ્યું કે, દેશમાં શક્તિશાળી નેતા નહીં હોય તો આવા સૈંકડો આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને ત્યારે આપણા સમાજનું રક્ષણ કરી શકાશે નહીં. આ સાથે હિમંતા બિશ્વા સર્માએ 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા કચ્છની પ્રજાને હાકલ કરી હતી.

કોમન સિવિલ કોડ વિશે નેતાએ કરી વાત
હિમંતા બિશ્વા સર્માએ કચ્છની સભામાં કોમન સિવિલ કોડ વિશે પણ કોમેન્ટ કરી હતી. બિશ્વાએ કહ્યું કે, ભાજપ મુસ્લિમ મહિલાઓનું સન્માન કરે છે એટલે જ ત્રિપલ તપાસ પ્રથામાંથી તેઓને મુક્તિ અપાવી છે. કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ. હવે કોમન સિવિલ કોડ પણ આવશે અને ચાર ચાર લગ્નોમાંથી મુક્તિ પણ મળશે.

શું છે શ્રદ્ધા હત્યા કાંડ?
ગઈ તા. 18મી મે 2022ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ શ્રદ્ધાના મૃત શરીરના નિકાલ માટે તેના અલગ અલગ 35 ટુકડા કર્યા હતા, જે ફ્રિઝમાં મુકી રાખ્યા હતા. એક બાદ એક ટુકડા જંગલમાં ફેંકી આવતો હતો. ગઈ તા. 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરાઈ હતી. હાલ વિવિધ તપાસો ચાલી રહી છે.

શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ આ કેસ સાથે સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. દિલ્હી પોલીસે આફતાબના ઘરમાં હાજર તમામ કપડા કબજે કરી લીધા છે. આમાં મોટાભાગના કપડાં આફતાબના છે. આ સિવાય પોલીસને ત્યાંથી શ્રદ્ધાના કપડા પણ મળ્યા છે. બંનેના કપડા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. કારણ કે હજુ સુધી પોલીસે હત્યાના દિવસે જે કપડાં પહેર્યા હતા અને શ્રદ્ધાએ કયા કપડાં પહેર્યા હતા તે કબ્જે કરી શકી નથી. પોલીસને લાગે છે કે ઘરમાંથી મળી આવેલા કપડામાંથી ચોક્કસથી કેટલીક કડીઓ મળી જશે. 

આ સિવાય પોલીસને ઘરમાંથી હથિયાર જેવી વસ્તુ મળી છે, તેને પણ તપાસ માટે મોકલવામાં આવશે. પોલીસને શંકા છે કે આફતાબે આ જ હથિયારથી શ્રધ્ધાના શરીરને તો નથી કાપી નાખ્યું. શ્રદ્ધા હત્યા કેસમાં કેટલાક ધારદાર કટીંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તેના કહેવા પર આફતાબના ઘરેથી હથિયાર જેવી વસ્તુ મળી આવી છે. પોલીસને શંકા છે કે તેનો ઉપયોગ મૃતદેહના ટુકડા કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. 

Most Popular

To Top