ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ (Cyclone) સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત (North Gujarat) તરફ આગળ વધી રહ્યું છે. જે બોટાદ, ધોલેરા, બરવાળા, રાણપુર થઈને આ વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાં કડી, વિઠ્ઠલાપુર, બેચરાજી – માંડલ તરફ સરકીને પાલનપુર તરફ આગળ વધશે અને પાલનપુરને ક્રોસ કરીને રાજસ્થાન (Rajasthan) તરફ જઈ રહ્યું છે. આ વાવાઝોડાના કારણે ૧૧૨૭ જેટલા ગામોને અસર સાથે નુકસાન થવા પામ્યુ હતું. અંદાજે ૧ લાખ જેટલા વૃક્ષો રાજ્યભરમાં તૂટી પડ્યા છે. જ્યારે સાથે ચાર વ્યક્તિઓનું મોત નીપજ્યું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ૨.૨૮ લાખ લોકોનું સ્થળાંતર કરાયું હતું. સરકાર દ્વારા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
વાવાઝોડુ ત્રાટકયુ ત્યારે તેની ઝડપ ૧૫૫થી ૧૮૫ કિમી પ્રતિ કલાક હતી. જ્યારે ૧૩થી ૨૦ કિમીની ઝડપે તે મંગળવારે ૧૮મી મેના રોજ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા વૃક્ષો પડી ગયા છે. જ્યારે ગીર પંથકમાં કેસર કેરીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ૩૬૯ સરકારી તેમજ ખાનગી બિલ્ડીંગને નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ૧૬૬૪૯ જેટલા કાચા – પાક મકાનો અને ઝૂપડા તૂટી પડ્યા હતા.
રાજ્યમાં ૬૬ તાલુકાઓમાં ૧થી ૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો
તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ૬૬ તાલુકાઓમાં ૧થી ૬ ઈંચ જેટલો વરસાદ થયો છે. જેમાં ધંધૂકામાં સાડા છ ઈંચ, ઉનામાં ૫.૨ ઇંચ, ખાંભામાં ૪ ઈંચ કરતાં વધુ, ગીર ગઢડામાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં દેમાર વરસાદથી પાણી જ પાણી
વાવાઝોડાએ સોમવારે રાતથી સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે અમદાવાદની નજીકથી ઉત્તર ગુજરાત તરફ પસાર થતાં પહેલા અમદાવાદમાં ભારે વરસાદ સાથે સંખ્યાબંધ વૃક્ષોને ઉખાડીને આગળ વધ્યું હતું. અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારો સહિત ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. પશ્વિમ અમદાવાદમાં રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં બપોરે ૨૫થી ૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પગલે થયેલા ભારે વરસાદમાં ૩થી ૪ ઈંચ વરસાદ થયો હતો. એરપોર્ટ સર્કલથ ઈન્દિરા બ્રિજ, મીઠાખળી, અખબાર નગર અન્ડર પાસ પાસે પાણી ભરાયા હતા. અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ કહ્યું હતું કે ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ, બાવળા, દસક્રોઇ અને ધોળકા તાલુકામાં અંદાજિત ૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.