Gujarat Main

અર્જુન મોઢવડિયાને પણ સી.આર. પાટીલે કેસરી ટોપી પહેરાવી દીધી, હવે કોંગ્રેસ માટે કોણ લડશે?

ગાંધીનગર(Gandhinagar) : આ વખતે લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) કોંગ્રેસને (Congress) ગુજરાતમાં ઉમેદવાર શોધવો પણ મુશ્કેલ બનશે તેમ લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં એક બાદ એક કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં (BJP) જોડાઈ રહ્યાં છે.

  • ગાંધીનગરના કમલમ ખાતે સી.આર. પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
  • મોઢવડિયા ઉપરાંત અંબરીશ ડેર અને મૂળુ કંડોરીયાએ પણ ખેસ પહેર્યો

ગઈકાલે તા. 4 માર્ચના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવડિયાએ (Arjun Modhavadia) કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને 24 કલાકની અંદર જ આજે તા. 5 માર્ચના રોજ અર્જુન મોઢવડિયાએ ભાજપનો ખેસ પહેરી લીધો છે. મોઢવડિયા સાથે અંબરિશ ડેર અને મૂળુ કંડોરીયાએ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધો છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસને એવો જ આંચકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ પહેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અંબરીશ ડેર અને વરિષ્ઠ નેતાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર અને મુલુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. આ ત્રણેય નેતાઓ બપોરે 12 વાગ્યે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે પક્ષમાં વેલકમ કરવા સાથે આ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપનો ખેસ અને કેસરી ટોપી પહેરાવી હતી.

મળતી માહિતી મુજબ, હવે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આગામી લોકસભા ચૂંટણીની સાથે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2022માં કોંગ્રેસની ટિકિટ પર ત્રીજી વખત જીત્યા હતા.

Most Popular

To Top