Gujarat

જામનગરના ધુંવાવ ગામના કીચડમાં ચાલી મુખ્યમંત્રી અસરગ્રસ્તોને મળ્યા: કહ્યું, મદદ કરીશું!

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવના લીધે પૂરના પાણી ઠેરઠેર ફરી વળ્યા છે. ગણતરીના કલાકોમાં પડેલાં ધોધમાર વરસાદના (HEAVY RAIN) લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન થયું છે તેવા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લીધી હતી. અહીં કીચડમાં ચાલી મુખ્યમંત્રી ગ્રામજનો સુધી પહોંચ્યા હતા અને તેઓનું દુ:ખ સાંભળી આશ્વસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી યોગ્ય મદદની ખાતરી આપતા અસરગ્રસ્તોને કહ્યું હતું કે કોઈ મદદથી વંચિત રહી નહીં જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને સૌ કોઈનું જીવન પહેલાથી પણ વધુ બહેતર બને તે માટે સરકાર પ્રયત્ન કરશે.

બપોરે 1 કલાકે મુખ્યમંત્રી હવાઈ માર્ગે જામનગરના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત માટે નીકળ્યા હતા, ત્યારે તેમની સાથે નીતિન પટેલ કે ભાજપના બીજા કોઈ અગ્રણી નેતા જોડાયા નહોતા. જામનગરના સ્થાનિક નેતાઓ તેમની સાથે જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ (R.C. FALDU) , જામનગરનાં સાંસદ પૂનમ માડમ (POONAM MADAM) અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થયા હતા. તે ઉપરાંત મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા. જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.

જામનગરમાં હેલિકોપ્ટરથી 64 લોકોને એરલિફ્ટ કરાયા
જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ બચાવ અને રાહતકાર્ય માટે એન.ડી.આર. એફની (NDRF) ટીમ મોકલવામાં આવી છે. એનડીઆરએફની 4 ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ઍરફોર્સના હેલિકોપ્ટરથી પણ લોકોને રેસ્ક્યુ (RESCUE)કરવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી 64 લોકોને એરલિફ્ટ (AIRLIFT) કરવામાં આવ્યા છે. 31 અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે તકેદારી માટે બહારના રાજ્યોમાંથી પણ ટીમો મંગાવવાનું આયોજન છે.

પાંચ દિવસ રાજ્યમાં મૂશળધાર વરસાદની હવામાન ખાતાની આગાહી
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ થયો છે. સોમવારે ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. તેથી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Most Popular

To Top