Gujarat

દાદાની તાકીદ, એક પણ માનવનું મૃત્યુ નહીં થાય તેનું ધ્યાન રાખજો

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાલમાં રાજસ્થાનની (Rajasthan) વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં બે દિવસથી પ્રવાસમાં છે. જો કે દાદાએ રાજસ્થાનથી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે એક પણ માનવનું મૃત્યુ ના થાય તેની કાળજી રાખજો. જ્યાં સ્થિતિ ગંભીર છે ત્યાં એનડીઆરએફની (NDRF) વધારે ટીમો તૈનાત કરો, તેવી પણ સૂચના આપી હતી. મધ્ય – પૂર્વ ગુજરાતના સાત જિલ્લાઓમાં પૂરની (Flood) સ્થિતિ યથાવત રહેતા, આજે યુદ્ધના ધોરણે બચાવ – રાહત ઓપરેશન હાથ ધરાયું હતું. સાત જિલ્લાઓમાંથી 12444 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે રેસક્યૂ ઓપરેશન હાથ ધરીને 617 લોકોને બચાવી લેવાયા છે. આ ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરાયા છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે દોડી ગયા હતા એટલું જ નહીં દાસે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં જનજીવન જલ્દીથી પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનો કરીને રાજ્ય સરકાર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી.

આ બેઠક બાદ રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપતા કહ્યું હતું કે SEOCના સંકલનમાં રહીને નર્મદા, ભરૂચ, દાહોદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને ગાંધીનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર, NDRF,SDRF, વાયુસેના અને કોસ્ટ ગાર્ડની મદદથી અંદાજે 12444થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી, તેમને શેલ્ટર હોમમાં આશરો આપીને ફૂડ પેકેટ સહિત જરૂરી તમામ વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યારે 617 જેટલા નાગરિકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરાયેલા આ સિવાય બાકી રહેલા નાગરિકોની તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થાનિક વહિવટી તંત્રની સતર્કતાના કારણે વરસાદથી એક પણ મૃત્યુ થયું નથી.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF- SDRFની 10 ટીમો તહેનાત, વિવિધ જિલ્લાઓમાં 13 ટીમો સ્ટેન્ડબાય
પાન્ડેએ કહ્યું હતું કે સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદના કારણે ડેમમાં અંદાજે ૧૮ લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી, જે હવે ઘટીને ૫ લાખ ક્યુસેક થઈ છે. જેના પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વાયુદળના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, વડોદરા, અરવલ્લી, દાહોદ અને જૂનાગઢમાં NDRF- SDRFની કુલ ૧૦-૧૦ ટીમો તહેનાત છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ તેમજ SDRFની ૧૩ ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Most Popular

To Top