Gujarat

મુખ્યમંત્રીની હાઇકમાન્ડ સાથે બેઠક બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા ભાજપના (BJP) હાઈકમાન્ડે ગંભીરતાપૂર્વક ગુજરાતનો (Gujarat) મામલો હાથ પર લીધો છે તે વાત હવે નક્કી સાબિત થઈ ચૂકી છે. ગઈકાલે નવી દિલ્હી (New Delhi) પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મામલે લંબાણપૂર્વક રાજકીય ચર્ચા થઈ હોવાની માહિતી બહાર આવી છે. જો કે આ વખતે આ બેઠક માહિતી ટોપ સિક્રેટ રખાઈ રહી છે, જેથી ભાજપની છાવણીમાં જ રાજકીય અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.

છેલ્લા બે ત્રણ માસથી ગુજરાતના મામલે ભાજપના હાઈકમાન્ડ દ્વારા જુદી જુદી બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. અગાઉ પીએમ મોદી સાથે દાદા, પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક થઈ હતી. જયારે સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથનને પણ દિલ્હી બોલાવાયા હતા. આ ઉપરાંત ભાજપના પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને પણ તેડુ આવ્યું હતું. તે પછી પહેલા જ નોરતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે ગાંધીનગરમાં દાદા તથા સી.આર.પાટીલ સાથે સાડા પાંચ કલાક માટે બેઠક કરી હતી. હજુ હમણાં જ પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત બાદ પરત ગયા પછી સી.એમ.ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી અચાનક તેડુ આવ્યુ હતું.

નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે દાદા સાથે લાંબી બેઠક કરી હતી. ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ દ્વારા ગુજરાતમાં દાદાની કેબિનેટની કામગીરી તથા સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરાઈ છે, તેમાં કેટલાંક મંત્રીઓની કામગીરી સંતોષકારક નહીં હોવા ઉપરાંત નબળી હોવાની વિગતો પણ મળી છે. જેના પગલે મંત્રી મંડળમાં નબળી કામગીરી કરતાં હોવાની છાપ ધરાવતા મંત્રીઓને પડતા મૂકીને તેના સ્થાને નવા ચહેરા સમાવાય તેવી સંભાવના છે.

આ ઉપરાંત કેબીનેટમાં ખાતાઓની વહેંચણીમાં પણ બદલાય આવી શકે છે. જયારે ભાજપાના પ્રદેશ સંગઠનમાં કેટલીક જગ્યાઓ ખાલી પડી છે ત્યાં નવી નિમણૂકોનો મુદ્દો પણ ચર્ચાયો છે. જયારે કેટલીક જ્ઞાતિઓના કલ્યાણ માટે રચાયેલા બોર્ડ – નિગમોમાં નવા ચેરમેન મૂકી દેવા જોઈએ તેવી પણ ચર્ચા થઈ હોવાની માહિતી આંતરીક સૂત્રોમાંથી જાણવા મળી છે. અગાઉ બી.એલ.સંતોષના રિપોર્ટના આધારે તો જ આખે આખી રૂપાણી સરકાર ઘરે બેસી ગઈ હતી.

Most Popular

To Top