ગાંધીનગર: (Gandhinagar) નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે રજૂ કરેલા 2024-25ના વર્ષના વચગાળાના કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25ના વર્ષના ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ કરનારુ બની રહેશે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે.
- મહિલા, ખેડૂત, યુવા અને ગરીબોને ઊર્જા આપનારું બજેટ : ભુપેન્દ્ર પટેલ
- સોલર રૂફટોપની નવી યોજનાથી ગુજરાત જેવા રાજ્યોને મોટો ફાયદો થશે
મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટમાં જાહેર કરાયેલા રૂરલ હાઉસિંગમાં ૨ કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. એટલુ જ નહીં, સોલર રૂફટોપની નવી યોજનાથી ૧ કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને મોટો ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતું જનહિતકારી બજેટ છે.
આશા વર્કર-આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલો નિર્ણય પણ આવકારદાયક છે.