સુરત-રાજકોટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિશે ગંદી કોમેન્ટ કરનાર પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો (Bilawal Bhutto) પર ગુજરાતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખ્ત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન (Pakistan) હાય હાયના નારા પોકારી લોકોએ તેના પૂતળાનું જાહેરમાં દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાજકોટમાં રાખવામાં આવ્યો હતો, તેમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવી પૂતળાને સળગાવવામાં આવ્યું હતું. રાજકોટ ઉપરાંત કચ્છ, ભૂજ, અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન (Protest) કરાયું હતું.
સુરતમાં બિલાવલ ભુટ્ટોના પોસ્ટર પર લાતો મારી
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ સુરત શહેર જિલ્લામાં પણ ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ જાહેર રસ્તા પર બિલાવલ ભુટ્ટોના પોસ્ટરને ચપ્પલ જોડાના હાર પહેરાવી લાતો મારી હતી. તેનું પૂતળું બાળ્યું હતું અને પાકિસ્તાન માફી માંગોના નારા પોકાર્યા હતા.
દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસી સામે શુક્રવારે વિરોધ કરાયો હતો
પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ઝરદારી ભુટ્ટોએ (Bilawal Zardari Bhutto) પીએમ નરેન્દ્ર (PM Modi) મોદીનો ઉલ્લેખ કરીને અભદ્ર ટિપ્પણી કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. શુક્રવારે બીજેપીના કાર્યકર્તાઓ નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન એમ્બેસીની નજીક તીન મૂર્તિ માર્ગ ઉપર ભેગા થયા હતા. પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરાયું હતું. પાકિસ્તાન હાય-હાય અને પાકિસ્તના મુર્દાબાદ, પીએમ મોદીના અપમાનને સહન નહીં કરે હિન્દુસ્તાનના નારાઓ લાગવીને રોષ ઠાલવ્યો હતો.
બીજેપીના સાંસદે બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનના પપ્પુ ગણાવ્યા
બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અછૂત બની ગયેલા પાકિસ્તાને પીએમ મોદીને ટાર્ગેટ કરીને ટિપ્પણી કરી સસ્તી પ્રસ્સિધી મેળવવાનો મરણીયો પ્રયાસ કર્યો છે. હંમેશાની જેમ ભારત આ મામલે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. તેમણે વધુમાં કહ્યું હતું કે બિલાવલ ભુટ્ટોને તો પાકિસ્તાનના પપ્પુ માનવામાં આવે છે. તેમણે સસ્તી પ્રસ્સિધી મેળવવા માટે અને લાઈમલાઈટમાં બન્યા રહેવા માટે માટે આવા વિવાદસ્પદ નિવેદનો આપતા રહે છે. બિલાવલ ભુટ્ટોની માતાનું આતંકી હુમલામાં મોત થયું હતું. હવે જ્યારે ભારત આતંકવાદીઓ સામે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે બિલાવલ આતંકવાદીઓની સાથે ઉભા છે.
શું છે વિવાદ?
બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ગુરુવારે ન્યૂયોર્કમાં (New York) એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમને ન બોલવા જેવા વાક્ય-શબ્દો બોલ્યા હતા જે ખુબ જ શરમ જનક હતા. બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, ‘હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.’ ભુટ્ટોના આ નિવેદનના લીધે વિવાદ ઉભો થયો છે. ભારતમાં ઠેરઠેર આજે વિરોધ પ્રદર્શનો કરી પાકિસ્તાનના વિદેશ મંત્રી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.