Editorial

પાટીલ સાહેબ તમે ગમે તેટલી ઊંચાઇ ઉપર હાર્દિકના બેનર લગાડો કાળી શ્યાહી તો પડશે જ

હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપમાં (BJP) જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શ્યાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો છે. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર (Poster) પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શ્યાહી લગાવી છે. ધનજી પાટીદારે શ્યાહી લગાવતો વીડિયો પણ બનાવ્યો છે. બે દિવસ અગાઉ કોંગ્રેસથી (Congress) છેડો ફાડી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો હતો. જેણે લઇ ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. હાર્દિક ભાજમાં જોડાયો ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ નુકશાન કર્યું હતું. હાર્દિકના આ નિવેદન આપ્યા બાદ હાલમાં પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના પાટીદાર હાર્દિક પટેલના આ નિવેદનથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિકને આવકારતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે પોસ્ટર કર પાટીદાર અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલના ફોટો પર કાળી શ્યાહીનો સ્પ્રે મારી પોસ્ટર કાળા કર્યા હતા. જેમાં હાર્દિક પટેલના નામને પણ કાળી શ્યાહી લગાવતો વીડિયો બનાવી તેમણે વાયરલ કર્યો છે.

ફોટો એટેચ છે. તો બીજી તરફ જ્યાં પાટીદાર અનામત આંદોલન સૌથી વધુ હિંસક બન્યું હતું તે સુરતમાં પણ હાર્દિક માટે કોઇ પાટીદારને વધારે માન સ્નમાન હોય તેવું લાગતું નથી. સાત વર્ષ પહેલા ભાજપ સામે બાંયો ચડાવી પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ લેનાર હાર્દિક પટેલના આવતીકાલે ભાજપ પ્રવેશ મુદ્દે ખુદ પાટીદારોમાં જ મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજનો ઉપયોગ કરીને પોતાનો રાજકીય રોટલો શેકયા બાદ હવે એક સમયે જેને જનરલ ડાયર કહ્યા હતા તેવા અમિત શાહની આગેવાનીમાં ભાજપમાં પ્રવેશ લઈ રહ્યો હોવાતી સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં પાટીદારોમાં કેવા પ્રત્યાઘાતો પડે છે તે ભાજપે ખુદ ભાજપમાં અસમંજસની સ્થિતિ છે. હાર્દિક જેવા ભાજપને પડકારનારા તોફાની નેતાનો ભાજપમાં પ્રવેશ જેવી મોટી વાત હોવા છતાં પણ જે પાટીદારોનો ગઢ છે અને જ્યાં હાર્દિકે લાખોની રેલી કાઢી હતી તેવા વરાછામાં માત્ર ગણતરીના જ હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા.

હાર્દિકના ભાજપ પ્રવેશ સામે આંદોલનમાં જોડાયેલા પાટીદાર સમાજ ઉપરાંત ભાજપના કાર્યકરોમાં પણ નારાજગી હોવાની પ્રતિતી થઇ રહી છે. વરાછામાં હાર્દિકને સત્કારવા માટે લાખોની ભીડ થતી હતી ત્યાં આ વખતે ગણતરીના જ હોર્ડિંગ્સ અને તે પણ વિરોધ થાય તો કોઈ તોડી નહીં પાડે તે માટે છેક બિલ્ડિંગની ટેરેસ પર મુકવામાં આવ્યા હતાં. ભાજપના ગઢ રાંદેર રોડ પર રોડની બાજુમાં જ  હાર્દિક પટેલને ભાજપમાં આવકારતું હોર્ડિગ્સ લગાડવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલને ‘સંઘર્ષશીલ’ યુવા નેતા  તરીકે નવાજવામાં આવ્યો હતો પરંતુ આ હોર્ડિંગ કોના દ્વારા લગાડવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વખતે સુરતમાં કોઈ વિરોધ થાય છે કે નહીં  તે માટે લિટમસ ટેસ્ટ રૂપે આ હોર્ડિગ્સ લગાડવામાં આવ્યા હતાં જેથી બાદમાં હાર્દિક સાથે કેવી રીતે વહેવાર કરવો તેની રણનીતિ ભાજપ નક્કી કરી શકે. હાર્દિક પટેલને ભાજપમાં આવકારવાનો વિચાર પાટીલ સાહેબનો છે કે પછી કેન્દ્રીય નેતૃત્વનો તે તો ખબર નથી પરંતુ આ દાવ ચોક્કસ ઉંધો પડવાનો છે તે નક્કી છે.

ભાજપનો ખેસ પહેરાવીને હાર્દિકને રેશમા પટેલ અને તરૂણ પટેલની જેમ ખૂણામાં બેસાડી દેવામાં આવે તો જ સારૂ રહેશે. જો તેને સક્રિય કરવામાં આવશે તો ભાજપનો દાવ ઊંધો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે, જે રીતે હાર્દિકના બેનર ઉપર કાળી શ્યાહી લાગી રહી છે. તે જ દર્શાવે છે કે, હાર્દિક પટેલના કેટલા વિરોધીઓ છે અને કેટલી હદે પાટીદારોમાં તેની સામે આક્રોશ છે. ભાજપને પણ ખબર છે અને પાટીલ સાહેબને પણ ખબર છે કે, કોઇપણ બેનર ઉપર કાળી શ્યાહી લગાડી શકે છે. આ જ કારણ છે કે, હાર્દિકને આવકારતા બેનર ઊંચાઇ ઉપર લગાડવામાં આવે છે. પરંતુ પાટીલ સાહેબ તમે ગમે તેટલી ઊંચાઇ ઉપર બેનર લગાડી તો. તમારી તમામ શક્તિ વાપરી લો પરંતુ પ્રજાથી ઉપર કોઇ નથી એટલે ગમે તે ઊંચાઇ ઉપર પ્રજાનો હાથ પહોંચશે જ અને કાળી શ્યાહી તો લાગશે જ.

Most Popular

To Top