અમદાવાદ: મોંઘવારી (Inflation) અને બેરોજગારીના મામલે કોંગ્રેસ (Congress) દ્વારા સરકારને ઘેરવાની નીતિએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે કોંગ્રેસ દ્વારા બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું (Gujarat Bandh) એલાન આપવામાં આવ્યું હતું, જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રસ્તા પર ઉતરી દુકાનો બંધ કરાવવી, શાળા-કોલેજ બંધ કરાવવા તથા ટાયરો સળગાવી રક્તા રોકી વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા, તેથી પોલીસે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી છે. કેટલાંક ઠેકાણે ટીંગાટોળીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
- અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અટકાયત
- વાસદ-બગોદરા હાઈવે પર ચક્કાજામ
- NSUI દ્વારા અમદાવાદમાં કોલેજ બંધ કરાવાયા
- દુકાનો બંધ કરાવવા નીકળેલા દર્શન નાયકની ઓલપાડમાં પોલીસે કરી અટકાયત
- વાપીના શામળાજી પાસે કોંગી કાર્યકરોએ ટાયળ સળગાવી રસ્તા રોક્યા
- રાજકોટમાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ
આજે શનિવારે કોંગ્રેસ દ્વારા સવારે 8થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક રીતે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં રાજ્યના વિવિધ જિલ્લાના કોંગી નેતાઓએ આ બંધને સફળ બનાવવા પ્રયાસો કર્યા હતા. અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની કોલેજો બંધ કરાવાઈ હતી.
વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરાવાયો હતો. આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવ્યા હતાં. AMTS બસ અને ઈન્ડિયન ઓઈલની ટ્રક રોકી હતી. પોલીસ પહોંચતા કાર્યકરો ભાગી ગયા હતા. ટીંગાટોળી કરી કેટલાંક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જગદીશ ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિત NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા હતા. રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
સુરતના ઓલપાડમાં કોંગી નેતા દર્શન નાયક દુકાનો બંધ કરાવવા પહોંચ્યા હતા. તેમની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. વલસાડના કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી શામળાજી માર્ગ ઉપર ટાયર સળગાવી રસ્તા પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. વાહનો અટકાવી દઈ રસ્તા રોકાયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.