ગુજરાતની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જમીન પર કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. એના કારણો ઘણા બધા હોય શકે છે. પણ ભાજપના નેતાઓની ફોજ અને વિપક્ષના નેતાઓના પ્રવાસ પછી પણ વાતાવરણ ચાર્જ અપ થયું નથી. જાહેર સભાઓમાં પણ અપેક્ષા મુજબ લોકોની ભીડ થતી નથી. અરે! ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ ખાલી ખુરશીઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમિત શાહની સભામાં બાળકો અને વિદ્યાર્થીઓને પરાણે લાવવામાં આવે એ શું દર્શાવે છે? શું હવે ચૂંટણીમાં જાહેર સભા હથિયાર રહ્યું નથી? શું એના વિકલ્પો હવે રાજકીય પક્ષો અને નેતાઓએ શોધવા પડશે?
નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતો વધારી છે. ચૂંટણી જાહેર થઈ એ પહેલા અને પછી … ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સભા અને રેલીઓ વધ્યા છે. પણ એમાં અપેક્ષા મુજબ લોકો જોડાતા નથી. ભાજપની સરકાર છે એટલે ભીડ મેનેજમેન્ટ કરવામાં એ કોઈ કસર છોડે જ નહિ. પણ આમ છતાં ભીડ થતી નથી. મોદીની ધોરાજીની સભામાં ખુરશીઓ ખાલી જોવા મળી. આવું શા માટે બન્યું? શું ત્યાં કોંગ્રેસના ઉમેદવારની સરખામણીએ ભાજપના ઉમેદવાર નબળા છે એ જ કારણ છે? આ સવાલનો જવાબ ભાજપે શોધવો પડશે. અમિત શાહની કોડીનારમાં સભા હતી એમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને પરાણે બેસાડવામાં આવે અને એ ઊભી થઈ જવા લાગે તો એમને બેસવા માટે મજબૂર કરવામાં આવે. ચૂંટણી પહેલા રાજકોટમાં મોદીની સભામાં એમના ચાલુ પ્રવચને લોકો ઊભા થઈ જવા લાગ્યા હતા. આવું અગાઉ જોવા મળ્યું નથી.
સત્તામાં કોઈ પક્ષ હોય અને સભામાં ભીડ ના જમા થઈ શકે એનો શું મતલબ? બીજું કે, સભામાં લાવવા લોકોને વાહનથી માંડી ભોજન સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે એમ છતાં ભીડ ના થાય તો એનો અર્થ સમજવો પડે. લોકોની નજરમાં રાજકીય પક્ષો નીચે ઉતરી ગયા છે અને લોકોને પ્રચારમાં રસ જ નથી. બીજું કે, આ વખતે ચૂંટણીમાં કોઈ ભાવના જગાડે એવા કોઈ મુદા ઉપસ્યા નથી. અને હવે નેતાઓ પોતાની સભામાં ભીડ કરવા કેવા કેવા ઉપાયો કરે છે ? ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભાવનગરના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીએ એમની સભામાં ‘કમા’ને બોલાવ્યો. આ કમો આજકાલ બહુ લોકપ્રિય છે. ડાયરામાં એની હાજરી જોવા મળે છે અને એ માટે એને સારા એવા પૈસા અપાય છે. પણ વાઘાણીને એવી શું જરૂર પડી કે, દિવ્યાંગનો ઉપયોગ કરવો પડ્યો. આ કમાએ ભાજપને મત આપાવ અપિલ કરી. બીજું બાજુ , દ્વારકાના ભાજપના ધરખમ ઉમેદવાર પબુભા માણેક રાહુલ ગાંધીનું નામ પડ્યા વિના એમને કમા સાથે સરખાવે છે. અને હા, ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીની થતી હતી એવી સભાઓનો જમાનો પણ રહ્યો નથી. એવા વક્તા પણ કેટલા કે જે લોકોને સભા સ્થળે ખેંચી લાવે.
હા, આપની રેલી અને સભાઓ ઠીક ઠીક જાય છે. આપ પાસે સંસાધનો ઓછા છે છતાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ અને રેલીઓમાં લોકો જોવા મળે છે. આ વાત નોંધપાત્ર છે. ખંભાળીયામાં ઇસુદાન ગઢવી લડે છે અને ત્યાં કેજરીવાલની સભા નક્કી થઈ અને આગલા દિવસ સુધી આપના નેતાઓ મુંઝવણમાં હતા કે, લોકો આવશે કે નહીં? પણ ખંભાળિયાથી સાત કિલોમીટર દૂર સભા સ્થળ હોવા છતાં લોકોની ભીડ થઈ. પણ આ ભીડ મતપેટી સુધી પહોંચશે ખરી? એ સવાલ છે. કોંગ્રેસે તો લગભગ એક વ્યૂહ નક્કી કર્યો કે, કોઈ રાષ્ટ્રીય નેતાઓને પ્રચારમાં ના લાવવા. એમણે ગ્રામીણ પંથકમાં ખાટલા બેઠકો ચલાવી જે સારી ચાલી. અને હવે પ્રચારના આખરી તબક્કામાં રાહુલ ગાંધી આવ્યા અને એમની રાજકોટની સભામાં સારી ભીડ થઈ. એ પાછળ આપમાં થોડો સમય માટે ગયેલા ને પાછા કોંગ્રેસમાં આવી રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના મેનેજમેન્ટને પણ આભારી છે.
સભાઓ અને રેલીઓમાં લોકો આવતા નથી કદાચ એ જ કારણે ઘેર ઘેર સંપર્કનું પ્રમાણ વધ્યું છે. ઉમેદવારો ખુદ બજારોમાં અને ગલીઓમાં ફરતા નજરે પડે છે અને હાથ જોડી મત માગે છે. પહેલા આ પ્રથા હતી જ. પણ એ ઢીલી પડી ગઈ. હવે એ ફરી જીવતી થઈ ગઈ છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયામાં બધા પક્ષો અતિ સક્રિય છે. જેની મોટાં પાયે શરૂઆત પણ નરેન્દ્ર મોદીએ જ કરી હતી. ભાજપમા તો આ માટે વોર રૂમ છે. દાખલા તરીકે, રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડૉ. દર્શિતા શાહના સમર્થનમાં તો એક સ્ટુડિયો બનાવાયો છે જેમાં કાર્યકર્તા આવે એ એના નામે અપીલ કરે એ વિડીયો રેકર્ડ થાય ને પછી એ જ સોશિયલ મીડિયામાં વહેતો કરે. અને આ મીડિયાની અસરકારકતા દરેક સ્વીકારે છે પણ આ ક્ષેત્રે બધા સક્રિય છે , અલબત ભાજપનું ‘વજન’વધુ છે કારણ કે ત્યાં આ કામ કરનારાની મોટી ટીમ છે. પણ આ ક્ષેત્રે બધા પક્ષોની સક્રિયતા વધી ગઈ છે. ટૂંકમાં બદલાતા સમી સાથે પ્રચારના સાધનો પણ બદલાઈ રહ્યા છે.