અમરેલી: ગુજરાત (Gujarat) રાજ્યમાં જ્યાં લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હાલ કમોસમી વરસાદે (Unseasonable rain) લોકોને હેરાન કર્યા છે. રવિવારે અમરેલી (Amreli) જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એક તરફ લોકોને ગરમીમાંથી રાહત તો મળી પરંતુ બીજી તરફ ખેડૂતો (Farmers) કેરીના પાકને લઇને ચિંતામાં મુકાયા છેે. અમરેલીમા ખાંભા પંથકમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, તેમજ સાવરકુંડલાના કેટલાક ભાગોમાં મીની વાવાઝોડું (Mini hurricane) પણ ફૂંકાયું છે.
મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર, આદસંગ અને થોરડી જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. જ્યારે ખાંભા તાલુકાના ભાણીયા, પીપળવા, નાનુડીગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ તમામ ગામો સહિત આસપાસના ગામોમાં વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતું થયું છે. આ જિલ્લામાં વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ખાંભા પંથકમાં તો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. સામાન્ય રીતે અમરેલી જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ હોય છે. આજે એટલે કે રવિવારે પણ આકરી ગરમી જણવાઇ રહી હતી. ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવતા અમરેલીમા કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો અમુુક વિસ્તારોમાં મીની વાવાઝોડું સાથે વરસાદી કરા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. ત્યારે આ બીજીવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ પહેલા પણ આણંદ, ખેડા અને ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અમરેલીમાં તો વીજળી પડતાં એક યુવકનું મોત પણ થયું હતું. તેમજ ખેડા અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો પવન સાથે હળવો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. જો કે આ કમોસમી વરસાદે લોકોને ગરમીથી તો રાહત આપી પરંતુ ખેડૂતો માટે તે આપત્તિજનક સાબિત થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. પરંતુ હાલ આ પ્રકારના વરસાદથી કેરીનો પાક બગડવાની શક્યતા છે. તેથી ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા જણાવી છે.