અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા યોજાયેલી ઓફલાઈન વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા જુદા જુદા અભ્યાસક્રમના 160 વિદ્યાર્થીઓની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 146 વિદ્યાર્થીઓને જુદી જુદી સજા કરવામાં આવી છે. જ્યારે 14 વિદ્યાર્થીઓને નિર્દોષ થયા હતા.
જીટીયુની વિન્ટર સેમેસ્ટર ઓફલાઈન પરીક્ષામાં ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી ફાર્મસી, એમ.બી.એ., સહિતના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષામાં ગેરરીતિ અંગે 160 વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 146 વિદ્યાર્થીઓને જુદી જુદી સજા કરાઈ હતી, આ સજામાં 26 વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરવાની, 46 વિદ્યાર્થીઓનું તમામ વિષયનું એક સેમેસ્ટરનું પરિણામ રદ કરાયું હતું. એક વિદ્યાર્થીને ચાલુ સેમેસ્ટર, ઉપરાંત આગામી બે સેમેસ્ટરની પરીક્ષા ઉપર પ્રતિબંધની સજા લગાવાઇ છે. જ્યારે બે વિદ્યાર્થીઓનું પરિણામ રદ થવાની તેમજ બે વર્ષ સુધી પરીક્ષા ન બેસવા દેવાની સજા કરવામાં આવી છે.