ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) વિદ્યાર્થીઓ દ્વારા “ઝીરો વેસ્ટ પોલિસી” લાગુ કરીને 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું છે. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જે સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવશે, તેવું જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.
કૉમ્પ્યુટર, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ટીવી વગેરે જેવા અનેક ડિજીટલ ઉપકરણોના ઈ-વેસ્ટનો વર્તમાન સમયમાં ડમ્પિંગ સાઈટ પર બાળીને કે દાટી દઈને નિકાલ કરવામાં આવે છે. જેનાથી ડિજીટલ ઉપકરણોમાં વપરાયેલા ફોસ્ફરસ, લિથિયમ, લિડ, મરક્યુરી જેવી અનેક હાનિકારક ધાતુને બાળતાં તેના ઓક્સાઈડ વાતાવરણમાં ભળે છે. જેનાથી ગ્લોબલ વોર્મિગનું જોખમ રહે છે. જ્યારે તેને જમીનમાં દાટી દેતાં ઉપકરણોમાં વપરાયેલા બેટરીમાંથી પણ સતત રેડિયેશન જમીનમાં પ્રસરાય છે. જે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે.
આ સમસ્યાના સમાધાન સ્વરૂપે જીટીયુ દ્વારા ઝીરો વેસ્ટ પોલિસી લાગું કરીને શરૂઆતના તબક્કે જીટીયુના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પાસેથી 50 કિલો ઈ- વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. જેમાં 5 કિલો જેટલા મોબાઈલ, 8 કિલો કોમ્પ્યુટર તેમજ અન્યમાં કેલ્ક્યુલેટર, રીમોટ, કિબોર્ડ, સીડી વગેરેનો સમાવેશ થાય છે.
એકઠા કરાયેલ ઈ-વેસ્ટમાંથી પ્લાસ્ટિક તેમજ વિવિધ ધાતુને અલગ કરીને કાર્યરત પાર્ટ્સને પુન:ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પુન: ઉપયોગમાં ન લઈ શકાય તેવા પાર્ટ્સને યોગ્ય રાસાયણિક પ્રકિયાથી તેનો નિકાલ કરવામાં આવે છે. જો ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ ના થાય તો, તેમાંથી નિકળતાં રેડિયેશનથી કેન્સર, બ્રેન ટ્યુમર તેમજ આંખ અને કાનની ડિસએબિલિટી જેવાં રોગોનો શિકાર બની શકાય છે. આગામી દિવસોમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પણ આ પોલિસી લાગુ કરીને પુન: ઉપયોગ માટે ઈ-વેસ્ટ એકઠો કરવામાં આવશે.