ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે જે 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી દોડે છે. રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ ઈ બાઈક ચલાવ્યુ હતું.
દેશમાં પેટ્રોલ ડિઝના ભાવો વધી રહ્યાં છે ત્યારે હવે લોકો ઈ વાહનો તરફ વળે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં જીટીયુના વિદ્યાર્થીઓએ ઈ બાઈક બનાવ્યુ છે. જીટીયુના અમદાવાદના બે વિદ્યાર્થીઓ અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ પેટ્રોલ બાઇકનો વિકલ્પ શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીઓએ બજારમાં જૂના અને ભંગારમાં પડેલા પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેકટ્રિક બાઈક બનાવ્યું છે. આ ઇ બાઇકની વિશેષતા એ છે કે, તે માત્ર 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી કરાવે છે. જેનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 19 પૈસા આવે છે. આ વિદ્યાર્થીઓ કહે છે કે કોઈપણ ટુ વહીલરનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તેને 15થી 20 હજારના ખર્ચમાં ઇ બાઇકમાં કન્વર્ટ કરી શકાય છે.