ભરૂચ: આખા ગુજરાતમાં GSTની ટીમ સાથે મળીને ગુજરાત ATS દ્વારા કુલ 88 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતના મોટા શહેરો ભરૂચ સહિત અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ગાંધીધામમાં પણ GSTની ટીમ દ્વારા દરોડા પડાવામાં આવ્યા છે અને 44થી વધુ ડિફોલ્ટરને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ દરોડાની સાથે સાથે વિવિધ જિલ્લાની SOG ની ટીમને પણ ATS દ્વારા કામે લગાડવામાં આવી. જેના કારણે કરચોરો ફફડી ગયા છે.
નવેમ્વિબર મહિનામાં તા 12મી નવેમ્બરના રોજ પણ ચૂંટણી સમયે જ સ્ટેટ GST અને ગુજરાત ATSએ સપાટો બોલાવવામાં આવ્યો હતો અને GST અને ATS દ્વારા 205 સ્થળે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓને ત્યાં દરોડા પાડવામાં આવતાં કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્ટેટ GST અને ATSની 90 જેટલી ટીમોએ રાજ્યના મુખ્ય શહેરોમાં શનિવાર 12મી નવેમ્બરની વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી અને 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યોમાં ફેલાયેલા છે
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર GST બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યોમાં પહોંચ્યા છે. ત્યારે 24 અને 25મી નવેમ્બરના રોજ પણ GST વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી અને 200 પેઢીને નોટિસ પાઠવી છે. મહત્વનું છે કે GST વિભાગે બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર રાજ્યભરમાં એકસાથે દરોડા પાડ્યા હતા..આ દરોડામાં કરોડોના વ્યવહારો કરીને રૂપિયા 98 કરોડની ITC લીધાનું સામે આવ્યું હતું. GST વિભાગના સૂત્રોના જમાવ્યા પ્રમાણે, તપાસ દરમિયાન અધિકારીઓને બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ કરી હતી અને જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.
અત્યાર સુધી બોગસ બિલિંગના છેડા રાજ્યમાં જ મળી આવતા હતા ,પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે, બોગસ બિલિંગની તપાસ રાજ્ય બહાર સુધી લંબાઇ છે. જેને લઈ GST વિભાગે બોગસ બિલથી ITC લીધી હોય તેવા રાજ્ય બહારના લોકોની યાદી તૈયાર કરી છે. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પોંડીચેરી, તેલંગાણા, ઝારખંડ, દિલ્લી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકથી પણ બોગસ બિલિંગ ઓપરેટ થતું હોવાનું તપાસમાં આવ્યું છે. જેને લઇને જે તે રાજ્યના GST વિભાગે આ નંબરોની તપાસ કરવા જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં કરેલા વ્યવહારોની તપાસ કરવામાં આવે તો કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચે તેવી શકયતા છે.