સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરથાણાથી સરસાણાના પહેલાં રૂટ માટે ઠેરઠેર ખોદકામ કરી દેવાયું છે, ત્યાં નડતરરૂપ બાંધકામોને પણ દૂર કરવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં ભાગળ પર 100 વર્ષ જૂની મોચીની ચાલ તોડી પાડવામાં આવી હતી હવે લંબેહનુમાન રોડ પર આવેલી સરકારી કચેરીને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવાની હિલચાલ શરૂ કરી દેવાઈ છે. 60 વર્ષ પહેલાં બનેલી આ સરકારી કચેરી તોડી પાડી અન્યત્ર ખસેડવામાં આવશે.
(Surat) સુરતના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) મેટ્રો રેલના (Metro Rail) રૂટમાં (Route) આવતી ઇમારતોમાં મોટા પાયે ડિમોલિશન (Demolition) થવાનું છે. તેમાં છેક 1952માં એટલે કે મહા ગુજરાત રાજ્ય વખતના લંબે હનુમાન રોડ સ્થિત એસટી બસના સુરત વહીવટી ભવનનો પણ સમાવેશ થાય છે. લંબે હનુમાન રોડ પર કામ શરૂ થઇ ચૂક્યું છે. આથી આ બિલ્ડિંગ તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. જો કે, ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરવા પહેલાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના (Gujarat State Road Transport Corporation) સુરત વહીવટી ભવન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હોય, આ માટે કલેક્ટરને લેખિતમાં જાણ કરી જમીનની માંગણી કરાશે.
1952માં મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા ન પડ્યા હતા, ત્યારે એકદમ મધ્યમમાં લંબે હનુમાન રોડ પરથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતને સાંકળતી બસોનું સંચાલન કરવું અનુકૂળ હોવાથી અહીં આ મુખ્યાલય બન્યું હતું. હાલમાં જીએસઆરટીસીનું વહીવટી બિલ્ડિંગ મેટ્રો સ્ટેશન નિર્માણ કામગીરીમાં નડતરરૂપ હોવાથી જીએસઆરટીસીએ વહીવટી ભવન તોડી પાડવું જરૂરી હોવાની સાથે તાકીદે જમીનનો કબજો મેળવવા કવાયત શરૂ કરી છે.
મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે ભાગળ પર આવેલી 100 વર્ષ જૂની મોચીની ચાલ તોડી પડાઈ
આ અગાઉ મેટ્રો રેલના (Metro Rail) અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન કરાયું હતું. ચાલના રહીશોએ શરૂઆતમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્રણ માળની મોચીની ચાલ વિરોધ વચ્ચે પણ તોડી પડાઈ હતી. અહીંની 7600 સ્કવેર ફૂટ જમીન ખાલી કરી મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે.