Charchapatra

દાદાજીનો આત્મવિશ્વાસ અને વિકલાંગ પૌત્રની અભૂતપૂર્વ સિધ્ધિ

હમણાં જ રાજકોટ નિવાસી ઉત્તમ મારુ  નામના વિકલાંગ વ્યક્તિની સામાન્ય રીતે માનવામાં ન આવે એવી  હકીકત વાંચવા મળી, જે હાલ બી.એ. ના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. એનું તાળવું બે ભાગમાં વહેંચાયેલું અને જે અંધાપો, નબળાં ફેફસા, અને ચાલવાની  તકલીફ  સહિત અન્ય શારીરિક તકલીફોથી પીડાતો હોવા છતાં એને સંપૂર્ણ ઉપનિષદ ઉપરાંત ગીતાના ૭૦૦ શ્ર્લોક કંઠસ્થ છે અને  તબલાં પણ સારાં વગાડી જાણે છે એવા રાજકોટના આ વિકલાંગની હકીકત વાંચીને વિચાર આવ્યો કે અદ્વિતીય કહી શકાય એવી શારીરિક ખોડખાંપણવાળી વ્યક્તિનું મનોબળ કેવું હશે.

ભાઇશ્રી ઉત્તમની પ્રગતિથી પ્રભાવિત થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી વિજયભાઇ દેસાનીજીએ ભાઇ શ્રી ઉત્તમની મુલાકાત બાદ જણાવેલ કે અમે ઘણી વ્યક્તિઓના જીવનચરિત્ર સાયકોલોજી અને સોસીયોલોજીના અભ્યાસક્રમમાં આવરી લઇએ છીએ એ પ્રમાણે ભાઇ શ્રી મારૂની પ્રગતિને ઉજાગર કરતું એક પ્રકરણ પણ આ અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય કરેલ  છે જે નિર્ણયને આધારે ભાઇ શ્રી ઉત્તમનું જીવનચરિત્ર પણ ઘણાં વિદ્યાર્થીઓના જીવનને પ્રભાવિત કરી શકે. જ્યારે ઘરનાં બધાં કુટુંબીજનો આ છોકરા અંગે અત્યંત ચિંતિત હતા એવા સમયે એના દાદાજીએ વિચાર્યું કે ભગવાને કોઇક આશા અને ચોક્કસ હેતુ સાથે આ બાળકને એમનાં ઘરમાં જન્મ આપ્યો છે અને આ વિચારે એમણે ઉત્તમ મારૂની શારીરિક તકલીફોને અવગણીને એના જીવનને સફળ બનાવવાનું બીડું ઝડપ્યું. એમના આ વિશ્વાસે ભાઇ શ્રીમારૂની શારીરિક નબળાઇઓને અવગણી એને અલગ અલગ ક્ષેત્રોમાં સિધ્ધિ હાંસલ કરવા પ્રેરણા આપી જેના ફળ સ્વરૂપ ઉત્તમે પણ સફળતાનાં નવાં નવાં શિખરો સર કર્યાં.    
સુરત       – હિતેન્દ્ર ભટ્ટ          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top