આજે ધોરણ 12ના વર્ગમાં વ્યાકરણનો પહેલો પિરીયડ હતો. ટીચર આવ્યા અને ઘણી ઓળખાણ બાદ તેમણે કહ્યું, ‘દરેક ભાષાનો મૂળ આધાર વ્યાકરણ છે. જો વ્યાકરણ સમજી લો, તો તમે તે ભાષા બરાબર સમજીને બોલી શકશો. અત્યાર સુધી તમે શીખેલું બધું વ્યાકરણ તમને યાદ જ હશે. ન હોય તો કહી દો. હું ફરી એકવાર સમજાવીશ, કારણ કે વ્યાકરણ જ મૂળભૂત પાયો છે.’ વિદ્યાર્થીઓએ કહ્યું, ‘ટીચર થોડું થોડું આવડે છે અને થોડું ભૂલાય ગયું છે, આપ ફરી સમજાવો.’ ટીચરે નામ અને સર્વનામ વિષે સમજાવવાનું શરૂ કર્યું. પહેલા નામના વિવિધ પ્રકાર અને પછી સર્વનામમાં પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ સર્વનામ વિષે સમજાવ્યું. પછી ટીચર બોલ્યા, ‘વિદ્યાર્થી મિત્રો, આ સર્વનામના જે નિયમો વ્યાકરણના છે, તેવા જ નિયમો જીવનના વ્યાકરણના છે જે તમારે હવે સમજવા જોઈએ.’
વિદ્યાર્થીઓ બોલ્યા, ‘જીવનના વ્યાકરણના નિયમો એટલે શું કઈ સમજાયું નહિ.’ ટીચરે કહ્યું, ‘સર્વનામમાં પ્રથમ પુરુષવાચક સર્વનામ એટલે આપણે પોતે જેને માટે હું, મારું, મારી જેવા શબ્દો વપરાય છે બરાબર. જીવનમાં આપણે હું, મારું, મારી જેવા અભિમાન અને નીજી સ્વાર્થસૂચક શબ્દોથી દુર રહેવું. વ્યાકરણમાં વાપરવા પણ જીવનમાં નહિ. જીવનના વ્યાકરણમાં આપણે પોતાને માટે હંમેશા સત્ય સ્વીકારવું. આ હતો પહેલો નિયમ. હવે કરીએ વાત બીજા નિયમની દ્વિતીય પુરુષવાચક સર્વનામમાં આપણે તું, તમે, તારે જેવા શબ્દો વાપરીએ છીએ. આ બધા શબ્દો બીજાને મહત્વ આપવાની વાત સૂચવે છે. આપણે જીવનના વ્યાકરણમાં હંમેશા બીજાને પ્રેમ અને માન આપવા અને તૃતીય પુરુષ સર્વનામમાં આપણે કોઈ પણ ત્રીજા વ્યક્તિ વિષે વાત કરીએ છીએ. જીવનના વ્યાકરણમાં હંમેશા બીજા બધા માટે દયા અને કરુણા રાખવી જોઈએ. આ ત્રણ જીવનના વ્યાકરણના નિયમ છે.’
વિદ્યાર્થીઓ બોલ્યા, ‘ટીચર આજે તમે વ્યાકરણ નહિ જીવનના વ્યાકરણ વિષે જ કહો. આવી સમજ અમને આજ સુધી કોઈએ આપી નથી.’ ટીચર બોલ્યા, ‘વિદ્યાર્થી મિત્રો, જેમ વ્યાકરણ ભાષાનો આધાર છે તેમ આપણું વર્તન અને આપણી વાણી જીવનનો આધાર છે. જેમ વ્યાકરણ નિયમોને આધારિત છે સાચો નિયમ જાણો તો જ સાચો જવાબ આવડે તેમ જીવનમાં પણ અમુક નિયમો હોય છે. તમે જે આપશો તેવું જ મળશે. જે કરશો તેવું જ ફળ મળશે અને આ નિયમોને સમજી અને તેમનું પાલન કરી તમે જીવનને યોગ્ય વણાંક આપી શકશો. વ્યાકરણમાં એક નાની ભૂલ વાક્યને ખોટું બનાવે છે, તેમ જીવનમાં પણ એક નાની ભૂલ જીવનને કડવાશથી ભરી દે છે. માટે તમે હંમેશા પોતે સત્યનું પાલન કરજો. બીજાને કુટુંબીજનોને, મિત્રોને, પાડોશીઓને પ્રેમ અને માન આપજો અને બાકી બધા પ્રત્યે દયા અને કરુણા રાખજો. સ્વાર્થ, અભિમાન, વેર, ગુસ્સાને જીવનમાં ક્યાંય સ્થાન આપતા નહિ.’ વ્યાકરણના ટીચરે જીવનનું વ્યાકરણ સરસ રીતે સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.