Surat Main

સુરત: પાંડેસરા પ્રમુખ પાર્ક ખાતે ગેરકાયદે ચાલતી આ મિલને GPCBએ ક્લોઝર આપી છતાં હજી ધમધમે છે

સુરત: (Surat) પાંડેસરા પ્રમુખ પાર્ક ખાતે મારુતિનંદન નામે ગેરકાયદેસર ચાલતી મિલને (Mill) જીપીસીબીએ (GPCB) ક્લોઝર આપી છતાં હજી ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં આંખ બંધ કરીને કામ કરતી જીપીસીબીએ મિલને નોટિસ આપી છતાં કોઈ ચકાસણી કરી નથી તેવું લાગી રહ્યું છે. બેફામ પ્રદૂષણ (Pollution) ઓકતી આ મિલ પર પાટિયું તો મારૂતીનંદનનું લાગ્યું છે પરંતુ તેનું નામ જય ભારત ફેશન પ્રિન્ટ હોવાનું સામે આવ્યું છે.

નવાગામ ખાતે નંદનવન ટાઉનશીપની સામે પ્રમુખ પાર્ક બ્રીજ નજીક ગેરકાયદેસર ચાલતી મારૂતિનંદન મિલને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે. પરંતુ પ્રજા અને અધિકારીઓના આંખે પાટા બાંધીને કાર્યવાહી કરતી જીપીસીબીને આ મિલનું સાચું નામ જય ભારત ફેશન પ્રિન્ટ હોવાની પણ જાણ નથી. ખોટા નામે મંજુરી વગર ચાલતી આ મિલને ક્લોઝર નોટિસ ગાંધીનગરથી આપવામાં આવી છે. છતાં મિલના સંચાલકો દ્વારા ચીમની ઊભી કરવામાં આવી છે. તેવું લાગી રહ્યું છે કે બંધ બારણે પરવાનગી લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ મિલને જો પરવાનગી મળશે તો આવનારા દિવસોમાં આવી અનેકવિધ મિલ પ્રમુખ પાર્કમાં શરૂ થશે અને લોકોના ફેફસા ખતમ કરી નાખશે. ગાંધીનગરથી ક્લોઝર નોટિસ હોવા છતાં પ્રમુખ પાર્કની આ મિલે ચીમની ઊભી કરી દીધી છે. ગેરકાયદે ચાલતી આ મિલને કારણે કાળા ધૂમાડા અને દુર્ગંધ ફેલાવતી શરૂ થઈ ગયું છે. આવનારા નજીકના વર્ષોમાં આંખ અને ફેફસાની બીમારીઓ લોકોને થવાની પૂરેપૂરી સંભાવના છે.

હજારો પરિવારના સ્વાસ્થય ઉપર અસર થશે
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ચાલતી આ મિલને કારણે બેફામ પ્રદૂષણ ફેલાય રહ્યું છે. કાળા ધૂમાડા અને મેસ લોકોના ઘરમાં તથા શરીરમાં પ્રવેશી રહી છે. લોકોના ફેફસા ખલાસ થઈ રહ્યા છે. જો પરિસ્થિતિઓ આવી જ રહેશે તો મકાન વેચીને જવાની વાત તો દૂરની છે. કોઈ ભાડેથી લેવા પણ તૈયાર ન થશે.

શિયાળામાં સમસ્યા વધારે ભયાનક બનશે
આગામી દિવસોમાં ઠંડીની શરૂઆત થવાની છે. જેની અસર બે-ત્રણ દિવસથી વર્તાઈ રહી છે. આગામી દિવસમાં ઠંડીની સાથે જ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધશે. કારણકે હવામાં સીધું ભળવાથી દમ અને શ્વાસની બિમારી ધરાવતા લોકોને વધારે તકલીફ વેઠવી પડશે. ત્યારે રહેણાક વિસ્તારની આટલી નજીકમાં ચાલતી મિલ લોકોના સ્વાસ્થય ઉપર ગંભીર અસર કરે છે.

Most Popular

To Top