આખરે વિવાદનો અંત આવ્યો: વડતાલના મુખ્ય કોઠારીએ કહ્યું- મંગળવાર સવાર સુધીમાં ભીંતચિત્રો દૂર કરાશે – Gujaratmitra Daily Newspaper

Gujarat Main

આખરે વિવાદનો અંત આવ્યો: વડતાલના મુખ્ય કોઠારીએ કહ્યું- મંગળવાર સવાર સુધીમાં ભીંતચિત્રો દૂર કરાશે

ગાંધીનગર(Gandhinagar): હનુમાનજીને (Hanumanji) સ્વામિનારાયણના (Swaminarayan) દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના (Mural) લીધે છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદ (Controversy) ચાલી રહ્યો હતો. આ મામલે સનાતની સાધુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આમને સામને આવી ગયા હતા. હવે આ વિવાદનો અંત આવ્યો છે. ભીંતચિત્રો વિવાદ મામલે સરકારના હસ્તક્ષેપ બાદ મંગળવાર સવાર સુધીમાં ભીંતચિત્રો હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્તાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને VHP તથા સંતો વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત આવ્યો હતો.

વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે મૈત્રી પૂર્ણ વાતાવરણમાં બેઠક પૂરી થઈ હતી. આ વિવાદને તુરંત ઉકેલવા માટે અમે કટિબદ્ધ છીએ. શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. દ્વારકાધીશ શંકરાચાર્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી બેઠક સફળ રહી હતી.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આ વિવાદમાં રાજ્ય સરકારે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (GujaratCMBhupendraPatel) નિવાસ સ્થાને બંધ બારણે સાધુ સંતો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો હાજર રહ્યાં હતા.બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી. બેઠક પૂરી થઈ જતા સંતો રવાના થયા હતા. વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માની ગયા છે. વડતાલના સંતોએ મંગળવાર સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો ખસેડી લેવા સરકારને બાંહેધરી આપી છે.

તમને જણાવી દઈએ કે ભીંતચિત્રોના વિવાદના મુદ્દે રવિવારે અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. જેમાં હનુમાનજીના અપમાન મુદ્દે સંતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ ભેગા મળી વિરોધની રણનીતિ તૈયારી કરી હતી. જેમાં સંતોએ એવો નિર્ણય લીધો હતો કે, સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણના સંતો સાથે સ્ટેજ પર નહીં બેસવું. આ રીતે સનાતની સંતોએ એક પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં 13 ઠરાવ પસાર કરાયા હતા.

આ ઉપરાંત આ મામલે લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામિને તમામ પદો પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.

Most Popular

To Top