સુરત: સુરતના હીરાઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાના લિવર ટ્રાન્સપ્લાન્ટની (Govind Dholkiya Lever Transplant) સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે. 2 ઓક્ટોબરને શનિવારે સર્જરી થયાના 10 દિવસ બાદ 12 ઓક્ટોબરના રોજ ધોળકીયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાનધર્મ માટે જાણીતા ગોવિંદ ધોળકીયા ઉર્ફે ગોવિંદ કાકાએ કિરણ હોસ્પિટલને (Kiran Hospital) રૂપિયા 1 કરોડનું દાન આપ્યું છે. આ સાથે જ હોસ્પિટલમાં કામ કરતા 1500 કર્મચારીઓને રૂપિયા 2000-2000ની ભેંટ આપી છે, જે કુલ 30 લાખની રકમ થાય છે. સાજા થયા બાદ કોઈ દર્દી દ્વારા ભેંટ અને દાનની આટલી મોટી રકમ અપાઈ હોય એવી શહેરની આ પ્રથમ ઘટના છે.
ગયા વર્ષે હરનિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે લિવરમાં ઈન્ફેક્શન જણાયું હતું, તેથી કેમેરો નાંખી વધુ તપાસ કરતા ગોવિંદ ધોળકીયાનું લિવર ખરાબ થઈ ચૂક્યું હોવાનું નિદાન થયું હતું. છેલ્લાં એક વર્ષથી ગોવિંદ ધોળકીયાનો પરિવાર તેમના માટે દેશ-વિદેશમાં મેચિંગ લિવરની શોધ ચલાવી રહ્યો હતો. હૈદરાબાદ, લંડન દરેક ઠેકાણે તપાસ કરી હતી. આખરે તેમની શોધ વલસાડ પર આવીને અટકી હતી. વલસાડની બ્રેઈનડેડ યોગટીચરનું લિવર ગોવિંદ ધોળકીયાને મેચ થયું હતું. દરમિયાન કિરણ હોસ્પિટલ દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની લાંબા સમયથી મંજૂરી માંગવામાં આવી હતી, તે પણ મળી હતી. તેથી શનિવારે સાંજે 6 કલાકે ગોવિંદ ધોળકીયાનું કિરણ હોસ્પિટલ ખાતે લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન (Surat Diamond Businessman Govind Dholakiya Liver Transplant) કરવામાં આવ્યું હતું.
આ અગાઉ વલસાડના યોગ શિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. 30 સપ્ટેમ્બરના રોજ વલસાડના શિક્ષીકા રંજન પ્રવીણ ચાવડાનું ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયું હતું. બ્રેઈન હેમરેજને લીધે મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી. ત્યાર બાદ યોગશિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. તેમના પરિવારે કિડની, લિવર અને આંખનું દાન કર્યું હતું. શિક્ષીકાનું લિવર ગોવિંદ ધોળકીયાને આપવાનું નક્કી કરાયું હતું. આ લિવર કતારગામ ખાતેની કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં હૈદરાબાદ, મુંબઈ, લંડનના હોસ્પિટલોની સલાહ અનુસાર ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 20 વર્ષનો અનુભવ ધરાવતા ડો. રવિ મોહનકાએ સાંજે 6 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું, જે મધરાતના 3 વાગ્યા સુધી એટલે સતત 9 કલાક ચાલ્યું હતું, જે અંતે સફળ રહ્યું હતું.