જુલાઈ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા રાજ્યભરમાં આંદોલનકારી પાટીદાર યુવકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પર ખુદ ભાજપના પાટીદાર સાંસદોએ દબાણ વધાર્યુ છે. જો કે સીએમ ભૂપેન્દ્ર પટેલે એવા સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે સરકાર આ કેસો પરત ખેંચવા પોઝિટિવ છે.
ભાજપના સાંસદો પૈકી રમેશ ધડુક, મોહન કુંડારિયા, મીતેશ પટેલ, શારદાબેન પટેલ, હસમુખ પટેલ અને નારણ કાછડિયા શુક્રવારે ગાંધીનગમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. એટલું જ નહીં પાટીદાર યુવકો પર થયેલા કેસો પરત ખેંચવા રજૂઆત કરી હતી. સીએમ પટેલે આ સાંસદોની રજૂઆત શાંતિથી સાંભળીને એવા સંકેત આપ્યા હતા કે સરકાર કેસો પરત ખેંચવા તૈયાર છે, જેની કાનુની પ્રક્રિયા ગૃહ વિભાગ દ્વારા ચાલી રહી છે. તાજતેરમાં ખોડલધામના ચેરમેન તથા ઊંઝા ઉમિયા માતાજીમંદિરના ટ્રસ્ટીઓ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર યુવકો સામે થયેલા કેસો પરત ખેંચવા રજૂઆત કરી હતી.