Columns

અયોધ્યામાં દલિતોની જમીન પચાવી પાડવાનું સરકારી અધિકારીઓનું કૌભાંડ

રામના નામે પથરા તરે, તો રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ કેમ ન તરે? થોડા સમય પહેલાં અયોધ્યામાં બંધાઇ રહેલા શ્રી રામ મંદિર નજીકની બે કરોડ રૂપિયાની જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ૧૮ કરોડ રૂપિયામાં ખરીદી લેવાનું પ્રકરણ બહાર આવ્યું હતું. ૨૦૧૯ માં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો તે પછી અયોધ્યામાં જમીનોના ભાવો અચાનક ઊંચકાઈ ગયા છે. આ ભાવોનો લાભ લેવા રાજકારણીઓ અને સરકારી અમલદારો અયોધ્યામાં જમીન ખરીદવા પડાપડી કરવા લાગ્યા છે. કોઈ વ્યક્તિ દેશના કાયદાકાનૂન મુજબ પોતાની ન્યાયપૂર્વકની કમાણીથી જમીન ખરીદે કે વેચે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં; પણ તે જમીન દલિતની હોય અને ગેરકાયદે ખરીદવામાં આવી હોય તો જરૂર કૌભાંડનું સ્વરૂપ ધારણ કરે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી ટાંકણે જ અયોધ્યામાં નવું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ભાજપના કેટલાક નેતાઓ પણ સંડોવાયેલા છે. આ કૌભાંડમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકારે તપાસનો આદેશ આપ્યો છે. 

આપણા દેશના કાયદાઓ મુજબ કોઈ પણ દલિત કે આદિવાસીની જમીન બિનદલિત કે બિનઆદિવાસી ખરીદી શકતો નથી. આ કાયદાનો ઇરાદો દલિતોને અને આદિવાસીઓને સંરક્ષણ આપવાનો છે. અગાઉ કેટલાક બિલ્ડરો કે રિયલ એસ્ટેટના દલાલો દલિતને કે આદિવાસીને દારૂની બોટલ આપીને તેની પાસેની જમીન પોતાના નામે કરાવી લેતા હતા. ઉત્તર પ્રદેશના કાયદા મુજબ જો કોઈ પણ દલિતની જમીન ખરીદવી હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી જરૂરી બની જાય છે. વર્તમાન કિસ્સામાં મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે ગેરરીતિ આચરીને દલિતોની જમીન ખરીદી લીધી હતી. ઉત્તર પ્રદેશ સરકારે તેની તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસ ચાલુ હતી ત્યારે જ તપાસ કરતા અધિકારીઓનાં સગાંઓ દ્વારા ટ્રસ્ટ પાસેથી જમીનો ખરીદી લેવામાં આવી હતી.  જે જમીનોની તપાસ ચાલી રહી હતી તે ખરીદવાનું પગલું નૈતિક ભૂમિકાએ સંદેહજનક છે.

મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે ૧૯૯૦ ના દાયકામાં રામ મંદિર નજીક આવેલી દલિતોની જમીન ખરીદવા માટે ફળદ્રુપ ઉપાય અજમાવ્યો હતો. તેણે રોંઘાઈ નામના પોતાના કર્મચારીને દલિતોની જમીનો ખરીદવાનું કામ સોંપ્યું હતું. આ કર્મચારી દલિત હતો, માટે કાયદેસર તે દલિતોની જમીન ખરીદી શકતો હતો. રોંઘાઈએ અયોધ્યાની ૨૧ વીંઘા જમીન દલિત પરિવારો પાસેથી પાણીના ભાવે ખરીદી લીધી હતી. મહાદેવ નામના દલિતની ત્રણ વીંઘા જમીન તેમણે માત્ર ૧.૦૨ લાખ રૂપિયામાં ખરીદી હતી. રોંઘાઈએ તેની પાસેની બધી જમીન ૧૯૯૬ ના જૂનમાં કરાર કરીને મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટને દાનમાં આપી દીધી હતી. આ માટે સરકારના મહેસૂલ ખાતા સમક્ષ અરજી કરવામાં આવી હતી. સરકારે જમીનના આ સોદાને માન્ય રાખીને ૧૯૯૬ ના સપ્ટેમ્બરમાં આ જમીનો ટ્રસ્ટના નામે કરી દીધી હતી. તેમાં ગેરરીતિ થઈ હોવાની સંભાવના હતી.

૨૦૧૯ માં સુપ્રિમ કોર્ટમાં રામમંદિરના કેસનો ચુકાદો આવી ગયો તે પછી રોકાણકારોએ રામમંદિર આજુબાજુની જમીનો ખરીદવા દોટ મૂકી હતી. ભાજપના નેતાઓએ અને ટોચના સરકારી અધિકારીઓએ પણ આ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક ઝડપી લીધી હતી. મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે પોતાની પાસેની જમીન વેચવા કાઢી હતી. આ જમીન અનેક રોકાણકારો ખરીદવા લાગ્યા હતા. તેઓ પોતે ખરીદેલી જમીનનો કબજો લેવા આવ્યા ત્યારે દલિત પરિવારોને ખબર પડી હતી કે તેમની જમીનો બિનદલિતો ખરીદી રહ્યા છે. મહાદેવ નામના દલિતે ૧૯૯૦ ના દાયકામાં રોંઘાઈને જમીન વેચી હતી, જે પોતે પણ દલિત હતો. રોંઘાઈએ તે જમીન ટ્રસ્ટને દાનમાં આપી હતી તેની પણ મહાદેવને જાણ નહોતી. ટ્રસ્ટે તે જમીન કોઈ બિનદલિતને વેચી દીધી ત્યારે તેણે ૨૦૧૯ ના સપ્ટેમ્બરમાં તેણે બોર્ડ ઓફ રેવેન્યુમાં ફરિયાદ કરી હતી કે દલિતોની જમીનો બિનદલિતો ખરીદી રહ્યા છે. આ ફરિયાદ મળતાં ઉત્તર પ્રદેશ સરકારે તપાસ સમિતિની રચના કરી હતી.

અયોધ્યાના ડિવિઝનલ કમિશનર દ્વારા જે તપાસ સમિતિની રચના કરવામાં આવી તેમાં વધારાના કમિશનર શિવ પૂજનનો અને વધારાના જિલ્લા અધિકારી ગોરેલાલ શુક્લાનો સમાવેશ થતો હતો. ૨૦૨૦ ની ફેબ્રુઆરીમાં તપાસ સમિતિએ ડિવિઝનલ કમિશનર એમ.પી. અગરવાલને પોતાનો હેવાલ સુપરત કર્યો હતો. ત્યારના જિલ્લા અધિકારી અનુજ કુમાર ઝા એ તે હેવાલ મુજબ કેટલાક સરકારી અધિકારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરી હતી. ૨૦૨૧ ના ઓગસ્ટમાં ટ્રસ્ટે ખરીદેલી જમીન મૂળ માલિકોને પરત કરવા અયોધ્યાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં કેસ પેન્ડિંગ હતો તે દરમિયાન જ ઉત્તર પ્રદેશના કેટલાક રાજકારણીઓ અને ટોચના સરકારી અધિકારીઓ દ્વારા મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી જમીનો ખરીદવામાં આવી હતી. અયોધ્યાના ડિવિઝનલ કમિશનર અગરવાલના સસરા અને સાળાએ ૨૦૨૦ ની ૧૦ ડિસેમ્બરે બે પ્લોટો ઉપરોક્ત ટ્રસ્ટ પાસેથી ખરીદ્યા હતા. ભાજપના વિધાનસભ્ય પ્રતાપ તિવારીએ ટ્રસ્ટ પાસેથી ૨,૫૯૩ ચોરસ મીટર જમીન ખરીદી હતી. અયોધ્યાના તત્કાલીન જિલ્લા અધિકારી અનુજ કુમાર ઝાના પિતા બદરી ઝા એ અયોધ્યામાં ૩૨૦ ચોરસ મીટર જમીન ૨૩ લાખ રૂપિયામાં ખરીદી હતી. મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટને જે જમીન ભેટમાં મળી હતી તે તેમણે ઊંચી કિંમતે વેચી હતી. જે કૌભાંડ થયું હતું તેની તપાસ કરનારા અધિકારીના સગાને જ તેમણે જમીનો વેચી હતી. તેને કારણે તપાસની નિષ્પક્ષતા બાબતમાં પણ શંકા પેદા થાય છે. કોર્ટમાં હજુ કેસનો ચુકાદો આવ્યો નથી. આ સંયોગોમાં જમીન ખરીદનારા નેતાઓ કે અધિકારીઓ કેસ પર પ્રભાવ પાડી શકે છે.

મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી જમીન ખરીદનારા રાજકારણીઓની અને સરકારી અધિકારીઓની દલીલ એવી છે કે તેમણે જે જમીનો ખરીદી હતી તે દલિતોની માલિકીની નહોતી પણ સવર્ણોની માલિકીની હતી. અહીં સવાલ દલિતનો કે સવર્ણનો નથી; પણ ગેરરીતિ આચરનારા ટ્રસ્ટનો છે. ટ્રસ્ટે દલિતોની જમીનો ગેરરીતિ આચરીને સસ્તામાં પડાવી લીધી હતી તે છાપરે ચડેલી હકીકત છે. ટ્રસ્ટને જે જમીનો દાનમાં આપવામાં આવી હતી તે પણ ધંધો કરવા માટે નહીં પણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ચલાવવા માટે દાનમાં આપવામાં આવી હતી.

તેનો ટ્રસ્ટે ધંધો કર્યો હતો. ટ્રસ્ટ પાસેથી જમીનો ખરીદીને રાજકારણીઓ દ્વારા ગેરરીતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મહર્ષિ રામાયણ વિદ્યાર્થી ટ્રસ્ટ દ્વારા જે રોંઘાઇનો ઉપયોગ કરીને દલિતોની ૨૧ વીંઘા જમીન ખરીદી લેવામાં આવી હતી તે તો અયોધ્યાથી દૂર પ્રયાગરાજ જિલ્લાના સહાવપુર ગામમાં રહે છે.  તેની પાસે માંડ બે વીંઘા જમીન છે. તેણે વર્ષોથી અયોધ્યાની મુલાકાત પણ લીધી નથી. તેની પત્નીને તો એ વાતની પણ ખબર નથી કે તેના પતિએ કોઈ ટ્રસ્ટને જમીન દાનમાં આપી હતી. વાત સ્પષ્ટ છે કે મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે ડમી તરીકે રોંઘાઈનો ઉપયોગ કરીને પાણીના ભાવે ખરીદી લીધી હતી. આ જમીન હવે તેઓ ઊંચા ભાવે વેચીને તગડો નફો રળી રહ્યા છે. કેટલાક સરકારી અમલદારો અને રાજકારણીઓ તેમનું ભીનું સંકેલી આપીને તેમની પાસેની જમીન ખરીદી રહ્યા છે. અયોધ્યામાં રામમંદિર તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આવાં અનેક કૌભાંડો બહાર આવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top