Gujarat

ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને રાજ્યભરમાંથી વન રક્ષકો એકત્રિત થયા

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) સરકાર સામે કર્મચારીઓએ (Government Employee ) વિવિધ પડતર માંગણીઓને (Demand) લઈને મોરચો માંડ્યો છે. ત્યારે આજે રાજ્યભરમાંથી વનરક્ષકો (Forest Guards) સાથે વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેથી સત્યાગ્રહ છાવણી મેદાન આજે પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા પડતર માંગીઓને લઈને સરકાર વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકો, વનરક્ષકો, પોલીસકર્મી સહિત વિવિધ સરકારી કર્મચારીઓ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ત્યારે 16 સપ્ટેમ્બરે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેને લઈને સરકારે 15 માંગણીઓમાંથી 14 માંગણીઓ સ્વીકારી લીધી હતી. અને કર્મચારી મહામંડળે સરકારની માંગણીઓને સ્વીકારતા હડતાળ પરત ખેંચી લીધી હતી. જો કે સરકારી કર્મચારીઓ સરકારની જાહેરાતથી અસંતુષ્ટ હોવાથી તેઓએ સરકાર વિરુદ્ધ મોરચો ચાલુ જ રાખ્યો હતો. ત્યારે હવે આજે ફરી એકવાક રાજ્યભરમાંથી વનરક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. રાજ્યભરમાંથી વન રક્ષકો દ્વારા ભરતી, બઢતી તેમજ નોકરીનો સમય ફિક્સ કરવા સહિત રજા પગારની માંગણી કરી રહ્યાં છે. તદુપરાંત નવ રક્ષક 2800 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે જ્યારે વનપાલ 4200 ગ્રેડપેની માંગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી મોટેભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા તેમજ ગ્રેડ પે જેવા મુદ્દે સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે વન રક્ષકો જ નહીં પરંતુ ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પણ વિવિધ પડતર માંગણીઓને લઈને આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ નિયમિત ભરતી અને જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને વિરોધ કરશે. તેમજ 7માં પગારપંચના ભથ્થાનો લાભ અને વય નિવૃત્તિની ઉંમર વધારવાની માંગને લઇ તેઓ વિરોધ કરશે. આ સાથે જ આઉટ સોર્સના વર્ગ 4ના કર્મચારીને કાયમી કરવાની માંગ સાથે પણ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

સરકારી કર્મચારીઓના વિરોધને ટેકો આપવા VCE કર્મચારીઓ પણ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે એકત્રિત થયા છે. VCE કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે અડગ છે. ત્યારે VCE કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ માંગણીઓને લઈ્ને આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 43 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. તેથી આજે ફરી એકવાર સરકાર દ્વારા રચાયેલી સમિતિની આરોગ્ય કર્મચારી સાથે બેઠક યોજાશે. આ સાથે જ ગાંધીનગરમાં નિવૃત્ત જવાનો પણ પડતર પ્રશ્નોને લઇને વિરોધ કરી રહ્યા છે. તેઓ પોતાના મેડલ સરકારને પરત કરશે. નોંધનીય છે કે, નિવૃત્ત જવાનોએ રવિવારે રાજ્યપાલ સાથે પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેઓની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ થઈ હતી. ત્યારે હવે નિવૃત્ત જવાનો મેડલ પરત કરીને પોતાનો વિરોધ નોંધાવશે.

Most Popular

To Top