SURAT

સુરતમાં લોકો દારૂ ખરીદીને ગુગલ પે મારફતે રૂપિયા ચૂકવે છે

સુરત: ડિજીટલ ઇન્ડિયાના (Digital India) ગુજરાતમાં (Gujarat) દારૂબંધીનો (Prohibition of alcohol) વેપાર પણ હવે ડિજીટલ થઈ રહ્યો છે. સચીનમાં સ્ટેટ મોનિટરિંગની રેઈડ દરમિયાન ગુગલ પે (Google Pay) ઉપર દારૂનું વેચાણ કરતો આરોપી ઝડપાયો હતો. તેની પાસેથી કુલ 42 હજારનો મુદ્દામાલ કબજે લઈ સચીન પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ડિંડોલી ખાતે રહેતો આનંદ ભુલન રાજપુત સચીન જલારામનગર મોટા હળપતિવાસમાં ગેરકાયદે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. જ્યાં આનંદ રાજપુત (ઉ.વ.35, રહે. ઠાકુરનગર, ડિંડોલી તથા મૂળ ઉત્તર પ્રદેશ) મળી આવ્યો હતો. આ સિવાય બીજો મળી આવેલ વ્યક્તિનું નામ પુછતા પોતે વિવેક રામલાલ પરસ્તે (ઉ.વ.25, રહે.પાંડેસરા મુક્તિનગર) હોવાનું જણાવ્યું હતું. આ બંને પાસેથી મળી આવેલી થેલીમાં વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. તથા દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી.

બંને આરોપીઓ પાસેથી ગુગલ પે બારકોડ સ્કેનર મળી આવ્યું હતું. આ ગુગલ પે અંગે પુછપરછ કરતા આનંદ રાજપુતે આ બારકોડ પોતાના મિત્ર પ્રતીક ઉર્ફે બીજેન્દ્ર પાટીલ ના નામનું હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ લેવા આવતા ગ્રાહકો આ ગુગલ પે ઉપર રૂપિયા આપતા હતા. આનંદ રાજપુતની વધારે પુછપરછ કરતા પોતે ઉધનામાંથી ગણેશ પારધીના ત્યાંથી વિદેશી દારૂનો માલ લાવતા હોવાનો તથા દેશી દારૂનો માલ પોપડા ગામમાં ઉષાબેન રાઠોડના ત્યાંથી લાવતો હોવાનું જણાવ્યું હતું. વિવેકને તે રોજના 500 રૂપિયા પગાર આપતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

વેસ્મા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 3 વોન્ટેડ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસેથી 48 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે ક્રિષ્ના પાર્ક હોટલ સામેથી એક વેગેનાર કાર (નં. જીજે-05-સીડી-4640) ને રોકી તપાસ કરતા તેમાંથી પોલીસને 48 હજાર રૂપિયાની વિદેશી દારૂની 60 બોટલો મળી આવતા મૂળ મહારાષ્ટ્રના જલગાંવમાં અને હાલ સુરત ઉધના ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપમાં રહેતા તુષાર પ્રહલાદ પાટીલને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તુષારની પૂછપરછ કરતા નવસારી ટાંકલ ગામે રહેતા શ્રવણે દારૂ ભરાવી આપ્યો હતો અને સુરત ગડોદરામાં રહેતા કનૈયા અને સુરત ડિંડોલી નવાગામમાં રહેતા નિલેશે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે શ્રવણ, કનૈયા અને નિલેશને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2 હજાર રૂપિયાનો મોબાઈલ અને 1 લાખ રૂપિયાની કાર મળી કુલ્લે 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top