SURAT

સુરત: ચોથા માળની પાળી ઉપરથી પટકાતા બે માસિયાઇ ભાઇના મોત

સુરત : અમરોલી કોસાડ આવાસમાં ચોથા માળની પાળી ઉપર બેસેલા બે માસિયાઇ ભાઇઓ અકસ્માતે નીચે પટકાતા બંનેના મોત (Death) નિપજ્યા હતા. બે ભાઇ પૈકી એકનું બેલેન્સ નહીં રહેતા પાળી પરથી નીચે પટકાયો હતો.બીજા ભાઇનો હાથ તેના હાથમાં આવી જતા તે પણ પટકાયો હતો. બંનેનાં મોતને પગલે પરિવારજનો (Family) ઉપર દુ:ખનું આભ ફાટ્યું હતું.

અમરોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી કોસાડ આવાસ એચ બિલ્ડિંગમાં રહેતો મહેશ ઉર્ફે ખાલપા સોમા રાઠોડ (ઉ.વ.45) નળ પોલિશના કારખાનામાં કામ કરે છે. જ્યારે તેનો માસિનો પુત્ર ચિરાગ સુરેશ રાઠોડ (ઉ.વ.22) રોલ પોલિશનું કામ કરતો હતો અને હાલ છુટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે મોડી સાંજે બંને માસિયાઇ ભાઇ આવાસના ચોથા માળે હવા ખાવા ગયા હતા. બંને ટેરેસની પાળી ઉપર બેઠા હતા ત્યારે મહેશ રાઠોડ સંતુલન ગુમાવી બેસતા નીચે પટકાયો હતો. આ સમયે તેનો હાથ ચિરાગના હાથમાં આવી જતા ચિરાગ પણ નીચે પટકાયો હતો. મહેશનું ગંભીર ઇજાને પગલે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે ચિરાગનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આહવામાં EVM ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું મોત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે EVM ગાર્ડ બિલ્ડીંગ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું અગમ્ય કારણોસર મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિજયભાઈ બાપુભાઈ ગાવીત (પોલીસ કોન્સ્ટેબલ બ.નં. 205 હેડ ક્વાર્ટર આહવા મૂળ.રે.ઘોડી તા.વઘઇ જી.ડાંગ)ની નોકરી ગતરોજ આહવાની જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા EVM ગાર્ડ બિલ્ડીંગમાં હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર હાજર હતા.

આજરોજ વહેલી સવારે આ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ બાપુભાઈ ગાવીત ફરજ પરનાં સ્થળે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આહવાનાં EVM ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની લાશ મળી આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને પોલીસ કર્મીની લાશનો કબ્જો મેળવી પી.એમ માટે ખસેડી વધુ તપાસ હતી. આહવાનાં ઈવીએમ ગાર્ડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું મોત કયા કારણોસર થયુ છે જેનું કારણ જાણી શકાયુ નથી. જે પી.એમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલમાં આહવા પોલીસની ટીમે એડી દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ એચ.કે.વરૂએ હાથ ધરી છે.

Most Popular

To Top