દેશના વિકાસમાં અત્યંત ઉપકારક એવી વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં દેશનો હિસ્સો વધારવા માટે ખાનગી ક્ષેત્રની મહત્વની ભૂમિકા માટે ઇન સ્પેસ યોજના લોંચ થતી હોય ત્યારે, દેશમાં 5G નેટવર્ક ટૂંકમાં આવવાનું હોય ત્યારે, દેશના યુવા બેકારોને માટે અગ્નિપથ લશ્કરની ભરતી યોજના જાહેર થતી હોય ત્યારે કેન્દ્ર સરકારને રાજ્યોના સહકારની જરૂર હોય એ સ્વાભાવિક છે. તેથી રાજ્ય સરકારોએ પોતાના મતોના સ્વાર્થો છોડીને દેશ અને સમાજ હિતમાં કેન્દ્ર સરકારનો સહયોગ અનિવાર્ય છે.
દેશના બીજા રાજ્યોના પ્રમાણમાં ઓડીસાની નવીન પટનાયકની સરકાર જે શાંત રીતે કેન્દ્ર સરકારના સહયોગમાં રહીને વર્ષોથી બિનવિવાદાસ્પદ રીતે કાર્યરત છે, તેવી જ રીતે માત્રને માત્ર દેશના કર્મઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધને કારણે પશ્ચિમ બંગાળ અને દિલ્હી સરકાર જે રીતે સતત વિરોધો અને તૃષ્ટિકરણોની ખોટી કાર્યશૈલી અપનાવીને કેન્દ્ર સરકારની સામે પડેલ છે તે હવે દેશ અને સમાજ હિતમાં સદંતર બંધ થવાની જરૂર છે. લોકશાહીમાં સંસદીય બહુમતી હોવા છતાં કેન્દ્ર સરકારને પોતાની મર્યાદાઓ છે.
તમારું ગમે તેટલુ વર્ચસ્વ હોય, પરંતુ આપણો દેશ રાજ્યોનો સંઘ છે. રાજ્યોને સાથે લીધા વગર માળખાગત પરિવર્તન લાવશો તો અહંકારી મનાશે. તેથી કેન્દ્ર સરકારે સમય સમય પર રાજ્ય સરકારો સાથે મિટીંગ બોલાવીને દેશ અને સમાજ હિતના નિર્ણયો સંભવિત વિરોધો અટકાવવા લેવાની ખાસ જરૂર છે. એક નાના કુટુંબમાં પણ પ્રશ્નો હોય છે, જ્યારે આ તો 135 કરોડ નાગરિકોનો દેશ ચલાવવાનો છે. ત્યારે પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે, ત્યારે પ્રશ્નોની ગંભીરતાથી ચર્ચા કરીને સર્વ સંમંતિ ન લેવાતી હોય તો બહુમતિથી નિર્ણયો લેવાય, તે વિશ્વની મોટી લોકશાહી દેશ તરીકે હવે અનિવાર્ય બને છે. જેના પરિણામે દેશનો વિકાસ થાય અને સમાજમાં સાચી હૃદયની શાંતિ નિર્માણ કરી શકાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.